Jamnagar તા ૧,
જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ પાછળ આવેલા વાલ્મિકી નગરમાં રહેતી ભારતીબેન શ્યામભાઈ પરમાર નામની ૨૫ વર્ષની પરણિત યુવતીએ ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં છતના હુકમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેણીને નીચે ઉતારી લઈ બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી દિપકભાઈ બાબુભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી. સોઢા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી પોતે ગર્ભવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેણીએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી મૃતક ના પતિ સહિતના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.