Rajkot. તા.17
લોકોની સુરક્ષાનું સ્થળ પોલીસ સ્ટેશન પણ રાજકોટમાં અસુરક્ષીત હોય તેવું સામે સામે આવી રહ્યું છે. શહેરમાં લુખ્ખાઓની હિંમત પણ સાતમા આસમાને પહોંચી હોય તેમ ગઈકાલે રાતના સમયે નવા 150 ફૂટરિંગ રોડ પર આવેલ ગાંધીગ્રામ પોલીસ મથક પર ત્રાટકેલા બુકાનીધારી શખ્સોએ ચાલું વાહને સોડા બોટલના ઘા કરી નાસી છૂટતાં પોલીસનું નાક કપાયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ આદરી ગણતરીની કલાકોમાં જ કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર સહિતની ટોળકીને દબોચી લઇ તપાસ આદરી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજના 10 થી 12 વાગ્યાની આસપાસ બે બાઈકમાં મોઢે રૂમાલ બાંધી આવેલા ચાર શખ્સો પોલીસ સ્ટેશન નજીક પહોંચતા જ ચાલુ વાહને સોડા બોટલના ઘા કરી ટેલીફોન એક્સચેન્જ તરફ 150 રિંગ રોડ પર જ નાસી છૂટ્યા હોય તેવો બનાવ બનવા પામ્યો હતો.
જે બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોકી ગયા હતા અને ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિત શહેરના તમામ પોલીસ મથકના ડી સ્ટાફની ટીમોને દોડતી કરી હતી.
જે મામલે વધુમાં મળતી વિગત મુજબ, પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય શખ્સો રૈયા ઓવરબ્રિજ તરફથી આવ્યાં હતાં અને ચાલુ વાહને જ સોડા બોટલના ઘા કરી ટેલિફોન એક્સચેન્જ તરફ નાસી છૂટ્યા હોવાનું સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે. હાલ પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ત્યારે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં ટીમોએ તપાસ આદર્યા બાદ ગણતરીની કલાકોમાં જ બે શખ્સોને દબોચી લીધા હતા. જેમાં એક કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનીસ અને એક શખ્સ સદામ હોવાનું સામે આવી રહ્યું છે.
ગાંધીગ્રામ પોલીસ મથક પર ગઈ રાતે બુકાનીધરી ત્રાટકયા હતાં અને સોડા બોટલના ઘા કરી નાસી છૂટવાની ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભાં થયાં હતા. ત્યારે ગઈ રાતે કાલાવડ રોડ પર ન્યુસનન્સ દૂર કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાનમ ઉતર્યા હતા.
જેમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસની ટીમો સાથે હતી, ત્યારે બીજી બાજુ લુખ્ખાઓએ પોલીસ મથકને જ ટાર્ગેટ કરી પોલીસને ચેલેન્જ કરી હતી.

