Bangalore, તા.19
વિશ્વરાજ જાડેજાની શાનદાર અણનમ સદી અને કેપ્ટન હાર્વિક દેસાઈની અડધી સદીની મદદથી, સૌરાષ્ટ્રએ શુક્રવારે વિજય હજારે ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં પંજાબને 63 બોલ બાકી રહેતા નવ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ફાઇનલમાં સૌરાષ્ટ્રનો સામનો વિદર્ભ સામે થશે.
292 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, સૌરાષ્ટે્ર કેપ્ટન હાર્વિક દેસાઈ અને વિશ્વરાજ જાડેજા સાથે ઉડી શરૂઆત કરી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 172 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેનાથી વિજયનો મજબૂત પાયો નાખ્યો. ગુર્નુર બ્રારે 23મી ઓવરમાં હાર્વિક દેસાઈને આઉટ કરીને આ ભાગીદારી તોડી.
દેસાઈએ 63 બોલમાં 64 રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રેરક માંકડે જાડેજા સાથે 121 રનની ભાગીદારી કરી, જેનાથી ટીમને આરામદાયક વિજય મળ્યો. જાડેજાએ 127 બોલમાં 18 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 165 રન બનાવ્યા, જ્યારે માકંદે 49 બોલમાં સાત ચોગ્ગા સહિત અણનમ 52 રન બનાવ્યા.
સૌરાષ્ટે્ર 39.3 ઓવરમાં એક વિકેટે 293 રન બનાવીને મેચ જીતી લીધી. અગાઉ સૌરાષ્ટે્ર ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અનમોલપ્રીત સિંહની સદી અને કેપ્ટન પ્રભસિમરન સિંહની અડધી સદીના કારણે પંજાબની ટીમ 291 રન સુધી પહોંચી ગઈ.
હરનૂર સિંહ અને પ્રભસિમરને પહેલી વિકેટ માટે 60 રન ઉમેર્યા, પરંતુ 33 રન બનાવીને હરનૂર રન આઉટ થયો. અનમોલપ્રીત અને પ્રભસિમરને બીજી વિકેટ માટે 109 રન ઉમેર્યા. પ્રભસિમરને 87 રન બનાવ્યા, જ્યારે અનમોલપ્રીતે 100 રન બનાવ્યા. સૌરાષ્ટ્ર માટે ચેતન સાકરિયાએ ચાર વિકેટ લીધી, જ્યારે અંકુર પંવાર અને ચિરાગ જાનીએ બે-બે વિકેટ લીધી.

