આ ઘટના ટિકેતનગર વિસ્તારના સરાય બરઈ ગામમાં થઈ : જોરદાર ધમાકાના અવાજથી આખું ગામ ધ્રુજી ગયું
Barabanki, તા.૧૩
દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ચારે તરફ ડરનો માહોલ છે. જેવો કોઈ ધમાકાનો અવાજ આવે છે તો લોકોને એવું લાગે છે કે ક્યાંક આતંકી હુમલો તો નથી થયો ને? આ દરમિયાન ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે દિવસમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર ધમાકો થયો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આપને જણાવી દઈએ કે, આ ઘટના ટિકેતનગર વિસ્તારના સરાય બરઈ ગામમાં થઈ છે. અચાનક જોરદાર ધમાકાના અવાજથી આખું ગામ ધ્રુજી ગયું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે, જેમના શરીરના ચિથરા ઉડી ગયા હતા. ધમાકો એટલો જોરદાર હતો કે અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામીણ લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની સૂચના આપી. જાણકારી મળતા જ ટિકેતનગર પોલીસ, ફાયર બ્રિગેડની ગાડીઓ અને રાહત દળ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા.
તાત્કાલિક ઘાયલ લોકોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા. અધિકારીઓનું કહેવું છે કે મરનારા લોકોની સંખ્યા વધવાની સંભાવના છે. કારણ કે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક ગ્રામીણો અનુસાર, ધમાકા બાદ પણ છૂટક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ઘટના કોઈ આતિશબાજી સામગ્રી અથવા દોરુગોળાના ભંડાર સાથે જોડાયેલી હોઈ શકે છે. હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ બ્લાસ્ટ બાદ લોકોમાં ડરનો માહોલ છે.

