મહિલાઓએ પોતાનાં શરીર અંગે અન્ય લોકોની ટીકાને ગંભીરતાથી લેવાની જરૂર નથી : રિચા ચઢ્ઢા
Mumbai, તા.૧૭
અભિનેત્રી Katrina Kaif માતા બન્યાં બાદ જાહેરમાં જોવા મળતાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેનાં શરીર અંગે ટીકા- ટિપ્પણીઓ કરી હતી. આ પ્રકારનાં બૉડી શેમિંગની ઘટનાઓ સામે હવે અભિનેત્રી રિચા ચઢ્ઢાએ અવાજ ઉઠાવ્યો છે. તેમણે Katrina Kaif અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓને નિશાન બનાવતાં ટ્રોલર્સની ટીકા કરતાં કહ્યું કે સોશિયલ મીડિયાની ઓળખ છુપાવવાની સુવિધાને કારણે કેટલાક લોકો કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરતાં ખચકાતા નથી.રિચાએ કહ્યું હતું કે મહિલાઓએ પોતાનાં શરીર અંગે અન્ય લોકોની ટીકાને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
તેનાં મતે, ફિલ્મ ઉદ્યોગમાં માતૃત્વ અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવતી મહિલાઓ પ્રત્યે સામાન્ય રીતે આદરભાવ રાખવામાં આવે છે. માધુરી દીક્ષિત, જુહી ચાવલા, રાની મુખર્જી અને સોનાલી બેન્દ્રે જેવી અભિનેત્રીઓનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે આવી ટીકાઓ માટે સમગ્ર ફિલ્મ ઉદ્યોગને જવાબદાર ઠેરવવો યોગ્ય નથી. રિચાએ વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર અનામી રહીને કમેન્ટ કરવાની છૂટ મળતાં કેટલાક લોકો જાણીતી અભિનેત્રીઓના જીવન અને દેખાવ અંગે મનસ્વી ટિપ્પણીઓ કરે છે. કેટરિના કૈફ કે ઐશ્વર્યા રાય જેવી સફળ અભિનેત્રીઓ વિશે અપમાનજનક લખવાથી કોઈના જીવનમાં સુધારો થતો નથી. તેનાં મતે, આવી ટિપ્પણીઓને મીડિયામાં પણ જરૂર કરતાં વધુ મહત્ત્વ આપવું જોઈએ નહીં.
દરમિયાન, કેટરિના કૈફે પણ તાજેતરમાં બ્રિટનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ટ્રોલિંગ અંગે પોતાનાં વિચારો રજૂ કર્યા હતાં. તેણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર થતી ટીકાને કારણે વ્યક્તિએ પોતાના આત્મસન્માન અને સ્વમૂલ્યને અસર થવા દેવી જોઈએ નહીં.

