Rajkot, તા. 18
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સવારથી પણ ઉતર-પૂર્વના ઠંડા પવનો યથાવત રહેતા ટાઢાબોળ વાતાવરણમાં લોકો ઠર્યા હતા. ખાસ કરીને 24 કલાક દરમ્યાન રાજકોટનાં સવારનાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે સવારે 12.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. અને સવોર પવનની સરેરાશ ઝડપ પણ 8 કિ.મી. રહેતા નગરજનોએ તીવ્ર ઠંડી અનુભવી હતી.
આ ઉપરાંત અમરેલી અને નલિયા આજરોજ પણ ઠંડાબોળ રહેવા પામ્યા હતા. આજે સવારે નલિયામાં 10.5 અને અમરેલીમાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થવા પામેલ છે. ત્યારે અમરેલીમાં આજે સતત બીજાં દિવસે તાપમાન 11-6 ડિગ્રી જેટલું નીચે આવી જતાં લોકોએ પણ આજે શિયાળામાં ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.
આજે સવાર સવારમાં ફૂલ ઠંડીના કારણે મુખ્ય બજારોમાં ચહલ પહલ ધીમી જોવાં મળતી હતી. જ્યારે ગઈકાલ સાંજે પણ ઠંડીનાં કારણે બજારો વહેલી બંધ થઈ જવાં પામી હતી.
આજની તારીખે અમરેલીનું લઘુતમ 11-6 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહતમ તાપમાન 29-3, ભેજનું પ્રમાણ 80 ટકા અને પવનની ગતિ 4-1 નોંધાયેલ છે. જ્યારે ગોહિલવાડ પંથકમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આજે મંગળવારે ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન ઘટીને 15.6 ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 4 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
જ્યારે નવા વર્ષનો પહેલો માસ હવે એન્ડ તરફ જઇ રહ્યો છે ત્યારે ઠંડીનો ચમકારો ગઇકાલથી વધુ જોવા મળવા પામ્યો છે. જુનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડતા 1ર ડિગ્રી ઠંડીનો અહેસાસ વધુ જોવા મળી રહ્યો છે.
ગિરનાર પર્વત ઉપર શહેર કરતા વધુ પાંચ ડિગ્રીએ નીચે પારો જતા 7 ડિગ્રીએ પહોંચી જતા સહેલાણીઓ પર્યટકો, યાત્રીકો ઠુઠવાય જવા પામ્યા હતા. આજે સવારથી ઠંડીનો અહેસાસ થતા વહેલી સવારે ઠેર ઠેર તાપણા, મફલર, ટોપી, સ્વેટર પહેરીને લોકો જોવા મળતા હતા.
ઉપરાંત જામનગર સહિત જિલ્લાભરમાં તબકકામાં શિયાળો જમાવટ કરી રહ્યો છે.જેમાં સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે જામનગરમાં સોમવારે લઘુતમ પારો વધુ અડધો ડિગ્રી નીચે સરકી 13.ડિગ્રી પર સ્થિર થયો હતો.
જામનગરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાનમા ઘટાડો જોવા મળ્યો હતો.છેલ્લા 24 કલાકમાં જ ઘટી 13 ડિગ્રી પર પહોચ્યુ હતુ.જે સાથે ઠંડા પવનો ફૂંકાતા મોડીસાંજથી વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ.સવારે શાળાએ જતા બાળકો ઉપરાંત માર્ગો પર આવાગમન કરતા લોકો પણ ગરમ વસ્ત્રોનો સહારો લેતા જોવા મળ્યા. હતા.
શિયાળાના પગરવ બાદ અત્યાર સુધીનુ સૌથી નીચે લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.જે સાથે આંશિક ઘટાડાસાથે મહતમ તાપમાન પણ 30. ડિગ્રી પર સ્થિર થયુ હતુ.વતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયું છે.ત્યારે પવનની ગતિ પ્રતિકલાક 3.5 કિમિ રહી છે.
જ્યારે આજે સવારે અમદાવાદમાં 13.5, વડોદરામાં 12.6, ભુજમાં 14.3, દમણમાં 17.6, ડિસામાં 13.4, દિવમાં 16.2, દ્વારકામાં 19.1, ગાંધીનગરમાં 12, કંડલામાં 15.5, પોરબંદરમાં 13.1, સુરતમાં 18.6 અને વેરાવળમાં 18.9 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

