રૂ. 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરતી જેતપુર સીટી પોલીસ ટીમ
Jetpur,તા.14
જૂનાગઢ રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી એક્ટિવા અને જેતપુરની હોટેલમાંથી મોબાઈલ ઉઠાવી જનાર સગીર ગઠીયાને જેતપુર સીટી પોલીસની ટીમે ઝડપી લીધો છે. જેતપુર સીટી પોલીસ મથકના પીઆઇ એ ડી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે મિલકત સંબંધિત ગુના આચરતા ગુનેગારોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ મકવાણા અને કોન્સ્ટેબલ લખુભા રાઠોડને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને જેતપુરના નકળંગ આશ્રમ રોડ પાસેથી જુનાગઢ રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરી કરેલ એકટીવા મોટરસાયકલ જેના નંબર જીજે-11-એએમ-8631 જેની કિંમત રૂ.50 હજાર તથા જેતપુરની એક હોટલમાંથી ચોરી કરેલ રેડમી કંપનીનો મોબાઇલ જેની કિંમત રૂ.5 હજાર એમ મળી કુલ રૂ.55 હજારના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાળ કિશોર વિરુદ્ધ રાજકોટ, ગોંડલ, જેતપુર અને જૂનાગઢમાં ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે.