Dubai, તા.1
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની વાર્ષિક સામાન્ય સભા દ્વારા ભારતીય ટીમને એશિયા કપ વિજેતાની ટ્રોફી ન સોંપવાનો સખત વિરોધ કર્યો છે. BCCIએ બેઠક દરમિયાન ACC પ્રમુખ મોહસીન નકવી પર નિશાન સાધ્યું હતું
ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો જેના કારણે ટ્રોફી રજૂ કર્યા વિના એવોર્ડ સમારોહ સમાપ્ત થયો હતો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના પોતાની જીતની ઉજવણી કરી હતી. BCCI સચિવ દેવજીત સૈકિયાએ પાછળથી જણાવ્યું હતું કે નકવી ટ્રોફી તેમના હોટલના રૂમમાં લઈ ગયા હતા અને બોર્ડ ICCને ફરિયાદ કરશે.
એસીસી સૂત્રોને ટાંકીને અહેવાલ મુજબ બીસીસીઆઈ ઇચ્છે છે કે, ટ્રોફી સોંપવામાં આવે, પરંતુ એસીસી પ્રમુખ મોહસીન નકવી હાલમાં તેમ કરવા તૈયાર નથી. નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે અને ભારત વિરોધી નિવેદનો માટે જાણીતા છે.
ભારતે ઘણા સમય પહેલા જાહેરાત કરી હતી કે તે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં, પરંતુ તેમ છતાં નકવી ટ્રોફી પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન સ્ટેજ પરથી ઉતર્યો ન હતા. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પણ ખેલાડીઓના પગલાને ટેકો આપતા કહ્યું કે ભારતીય ટીમની કાર્યવાહી સંપૂર્ણપણે યોગ્ય હતી અને બોર્ડ નવેમ્બરમાં આઈસીસીની બેઠકમાં આ બાબતે સખત વિરોધ નોંધાવશે.
BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને ભૂતપૂર્વ ખજાનચી આશિષ શેલારે ACC AGMમાં બોર્ડનું પ્રતિનિધિત કર્યું. એશિયા કપ ટ્રોફી હજુ પણ ACC ઓફિસમાં પડી છે અને વિજેતા ટીમને ક્યારે રજૂ કરવામાં આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ભારતે ACC મીટિંગ દરમિયાન વિજેતાની ટ્રોફી રજૂ કરવામાં નિષ્ફળતા અને એવોર્ડ સમારોહ પછી ACC પ્રમુખ નકવી દ્વારા કરવામાં આવેલા નાટકનો સખત વિરોધ કર્યો હતો. રાજીવે જણાવ્યું હતું કે ટ્રોફી વિજેતા ટીમને રજૂ કરવી જોઈએ. તે ACCની છે અને તેનો કોઈ એક વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.
સૂત્રએ જણાવ્યું હતું કે- નકવી BCCIના વલણ સાથે સહમત ન હતા. તેમણે આગ્રહ કર્યો હતો કે AGMમાં આ મુદ્દા પર ચર્ચા ન થવી જોઈએ અને બીજા સમયે તેની ચર્ચા થવી જોઈએ. આ બેઠકનો એજન્ડા ઉપપ્રમુખની પસંદગી કરવાનો હતો, પરંતુ તે પણ થઈ શક્યું નહીં.
સૂત્રએ જણાવ્યું હતું કે, જ્યારે મીટિંગ શરૂ થઈ ત્યારે નકવીએ તેમના પ્રારંભિક ભાષણમાં નેપાળને વેસ્ટ ઈન્ડિઝને હરાવવા બદલ અભિનંદન આપ્યા. ત્યારબાદ તેમણે મંગોલિયાને ACC સભ્ય બનવા બદલ અભિનંદન આપ્યા અને પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.
ત્યારબાદ શેલારે એ મુદ્દો ઉઠાવ્યો કે નકવીએ ભારતને એશિયા કપ જીતવા બદલ કેમ અભિનંદન ન આપ્યા. આનાથી નકવી પર ભારતને અભિનંદન આપવા દબાણ થયું અને તેમણે તેમ કર્યું.
BCCI નવેમ્બરમાં ICC મીટિંગ દરમિયાન આ મુદ્દો ઉઠાવશે. સૂત્રએ જણાવ્યું હતું કે, શુક્લા અને શેલારે આગ્રહ કર્યો હતો કે ACC ટ્રોફી તેમની ઓફિસમાં રાખે અને BCCI તેને ત્યાંથી લઈ જાય. તેઓએ કહ્યું- વિજેતા તરીકે, અમને ટ્રોફી જોઈએ છે. પરંતુ નકવી હાલમાં આ માટે તૈયાર નહોતા. તે સ્પષ્ટ છે કે BCCI ICCને ફરિયાદ કરશે. ત્યારબાદ શેલારે મીટિંગ છોડી દીધી હતી.