Srinagar, તા.૧૩
દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો દ્વારા તપાસ અભિયાન વધુ આક્રામક બનાવી દેવાયું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું છે કે તપાસ ટીમો દ્વારા આશરે ૩૦૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જે સ્થળોએ દરોડા પડાયા તે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાટીના મુખ્ય વિસ્તારો જેમ કે કુલગામ, પુલવામા, શોપિયાં, બારામુલ્લા વગેરેમાં મોટા પાયે તપાસ ટીમો ત્રાટકી હતી, માત્ર કુલગામમાં જ ૨૦૦ જેટલા સ્થળોએ દરોડા પડાયા હતા. છેલ્લા બેથી ત્રણ દિવસ દરમિયાન ૪૦૦ જેટલા સ્થળે તપાસ કરી લેવાઇ છે. જેમાં ૫૦૦થી વધુ લોકોની પૂછપરછ કરાઇ હતી. જ્યારે શંકા જતા આશરે ૧૫૦૦થી વધુની અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. અલગતવાદીઓ અને કટ્ટરવાદીઓની ઇકો-સિસ્ટમ પર આ એક રીતે સીધો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં વિસ્ફોટ થયો તેની લિંક જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલી છે. જેને પગલે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો વધુ એલર્ટ થઇ ગયા છે. આતંકીઓનું પાઇનાન્શિયલ નેટવર્ક, ઓનલાઇન લિંક વગેરેને તોડવા માટે હાલ આ તપાસ અભિયાન ઘણુ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતી અપાઇ હતી જેના આધારે પોલીસ દ્વારા આ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની પણ ધરપકડ કરવામાં આવી છે તેના દિલ્હી વિસ્ફોટ સાથે કનેક્શન અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક આતંકવાદી હોવાની પણ શક્યતાઓ છે. જોકે અટકાયત કરાયી છે તેમની વધુ વિગતો જાહેર કરવામાં નથી આવી.

