Porbandar,
અતિશય ગરમી, વરસાદી મોસમ અને સરિસૃપોનો સંવનનકાળ શરૂ થતાં જ સરિસૃપો ભૂગર્ભમાંથી બહાર આવવા લાગ્યા છે. એમાંયે બરડા પંથકમાં સરિસૃપોનું પ્રમાણ વધારે છે. પોરબંદર નજીક ભેટકડી ગામે વાડી વિસ્તારમાં એક બાળકીને સાપે દંશ મારી શરીરે વીંટળાઈ જતાં બાળકીને સાપના ભરડામાંથી મુકત કરાવવા જતાં માતાને પણ દંશ મારી દેતાં માતા-પુત્રીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા છે.
બરડા પંથકના અનેક ગામડામાં મોટી માત્રામાં ખેતમજૂરો મજૂરીકામ માટે આવ્યા છે. મુખ્યત્વે મધ્યપ્રદેશથી અસંખ્ય પરિવારો વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યા છે ત્યારે ગુરૂવારે બપોરના સમયે લચ્છુ બામણીયા નામની દોઢેક વર્ષની બાળકી વાડીમાં હતી ત્યારે કયાંકથી સાપ આવી ચડયો હતો અને આ બાળકીની ઉપર વીંટળાઈને તેને દંશ મારી દીધો હતો. લચ્છુ ચીસો પાડીને રડવા લાગી હતી. નજીકમાં જ કામ કરી રહેલી માતા સપનાબેન કૈલાસ બામણીયાનું ધ્યાન જતાં સાપને દૂર કરવા માટે કોશિશ કરતા એ સાપે સપનાને પણ ડંખ મારી દીધો હતો. તેના પરિવારજનો અને વાડીમાલિક સહિત લોકો એકત્ર થઈ ગયા હતા અને બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.