New York,તા.15
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અમેરિકાનાં ન્યૂયોર્કના સૌથી ધનિક વિસ્તાર મેનહટનમાં એક નવી ઇમારત ખરીદી છે. મેનહટનના પોશ ટ્રિબેકા વિસ્તારમાં 11 હ્યુબર્ટ સ્ટ્રીટ પર આવેલી આ છ માળની ઇમારત માટે લગભગ 154 કરોડ રૂપિયા (17.4 મિલિયન ડોલર) ચૂકવવામાં આવ્યાં છે.
રસપ્રદ વાત એ છે કે, હોલિવૂડની સેલિબ્રિટીઝ રોબર્ટ ડી નીરો અને ટેલર સ્વિફ્ટ પણ આ વિસ્તારમાં મકાનો ધરાવે છે. અંબાણીએ આ બિલ્ડિંગને ટેક અબજોપતિ અને યુબિક્વિટીના ચેરમેન રોબર્ટ પેરા પાસેથી ખરીદી છે. આ બિલ્ડિંગ છેલ્લાં 10 વર્ષથી ખાલી છે. પેરાએ આ બિલ્ડિંગમાં જાણીતાં આર્કિટેક્ટ એરિક કોબ પાસેથી લગભગ 17000 ચોરસ ફૂટના વિસ્તારમાં ભવ્ય રહેણાંક હવેલી ડિઝાઇન કરી હતી અને જરૂરી મંજૂરીઓ પણ મેળવી હતી.
પરંતુ આ અંગે વધુ કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. તેમનાં પહેલાં આર્કિટેક્ટ માયા લિન અને વિલિયમ બાયલોસ્કીએ આ સ્થળે લગભગ 20000 ચોરસ ફૂટના વિસ્તારમાં એક મકાન ડિઝાઇન કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સના આ હસ્તાંતરણ બાદ મુકેશ અંબાણી અહીં ઘર બનાવી શકે છે.
મેનહટનના ટ્રિબેકામાં મુકેશ અંબાણીના ભાવિ બંગલાનું મહત્વ અલગ છે, પરંતુ તે મુંબઈમાં તેમનાં હાલનાં બંગલા એન્ટિલિયા કરતાં ઘણું નાનો હશે. બ્રિટનના શાહી નિવાસસ્થાન બકિંગહામ પેલેસ પછી એન્ટિલિયા વિશ્વનું સૌથી મોંઘું ખાનગી નિવાસસ્થાન માનવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણીએ હ્યુબર્ટ અને કોલિસ્ટર સ્ટ્રીટ્સના ખૂણા પર જે બિલ્ડિંગ ખરીદી છે તે એક જૂના ગેરેજની સાઇટ પર સ્થિત છે. હાલની ઇમારત મૂળ આર્કિટેક્ટ વિન્કા ડુબેલ્ડમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તે તેના માલિક હતા.
બાદમાં, આ બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી બજારમાં આવી રહી છે. પેરા સહિતનાં બે ભૂતપૂર્વ ખરીદદારોએ સાઇટ પર એક વિશાળ રહેણાંક હવેલી બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ તે સાકાર થયું નહીં.