Mumbai,તા.૧
સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન હવે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે.આઇપીએલ ૨૦૨૫ની મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેને ૧૧.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ આ બેટ્સમેન મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. હવે તેની જૂની ટીમ સાથે સાત વર્ષની સફર પૂરી થયા બાદ તેણે એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં વિતાવેલી દરેક ક્ષણને યાદ કરી.
આ વીડિયોની સાથે ઈશાને એક કેપ્શન પણ લખ્યું છે, જેમાં તેણે તેના કોચ અને સાથી ખેલાડીઓનો આભાર માન્યો છે. તેણે લખ્યું- તમારા બધા સાથે ઘણી યાદો અને ખુશીઓ જોડાયેલી છે. મુંબઈ ઈન્ડિયન્સ, મુંબઈ અને પલટન હંમેશા મારા દિલમાં રહેશે. તમારા બધા સાથે હું એક વ્યક્તિ અને ખેલાડી તરીકે ઉછર્યો છું. અમે એવી યાદો સાથે અલવિદા કહીએ છીએ જે જીવનભર મારી સાથે રહેશે. મેનેજમેન્ટ, કોચ અને ખેલાડીઓનો આભાર કે જેની સાથે હું રમ્યો છું. આ ઉપરાંત, મને હંમેશા સપોર્ટ કરવા માટે તમામ ચાહકોનો આભાર.
અગાઉ મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદાયા બાદ ઈશાને ફ્રેન્ચાઈઝીનો આભાર માન્યો હતો. “હું આ અદ્ભુત ટીમ (સનરાઇઝર્સ હૈદરાબાદ) સાથે જોડાવા માટે અને આ અદ્ભુત ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું,” તેને એસઆરએચ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં કહેતા સાંભળવામાં આવ્યો હતો. તમારા બધા અને ઓરેન્જ આર્મી સાથે કામ કરવા આતુર છીએ.
આ ડાબા હાથના બેટ્સમેને ૨૦૧૬માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ગુજરાત લાયન્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના નામે ૧૦૫ મેચમાં ૨૬૪૪ રન છે. તેણે ૧૩૫.૮૭ની સ્ટ્રાઈક રેટથી ૧૬ અડધી સદી પણ ફટકારી છે. તે ૨૦૧૮ માં એમઆઇનો ભાગ બન્યો. ઈશાને આ ટીમ માટે ૮૯ મેચ રમી છે. જેમાં તેણે ૧૫ અડધી સદીની મદદથી ૨૩૨૫ રન બનાવ્યા છે.