પ્રેમિકાથી પીછો છોડાવવા પથ્થરના ધા ઝીકી લાશ ને બગસરા પંથકના અવાવરું કૂવામાં લાશને ફેંકી દીધી’તી
એલસીબીની પૂછપરછમા પ્રથમ તો કોઈ કૃત્ય કર્યું નથી એવી વાત કરી ,બાદમાં સવાલોનો મારો ચલાવી કેટલાક પુરાવા બતાવતા આખરે હાર્દિક સુખડીયા તપાસમા ભાંગી પડયો
Visavadar,તા.01
વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની મહિલા એક વર્ષથી ગુમ હતી. તપાસ દરમ્યાન મહિલાને ગામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ શાતીર શખ્સે પોલીસને ગુમરાહ કરી હતી. આખરે એલસીબીએ શખ્સની પૂછપરછ કરી સવાલોનો મારો ચલાવ્યો હતો પરંતુ યુવકે એક વર્ષ પહેલાં પરિણીત પ્રેમિકાથી છુટકારો મેળવવા તેની હત્યા કરી લાશ બગસરા તાલુકાના હડાળાની સીમમાં અવાવરૂ કૂવામાં ફેંકી દીધાની કબૂલાત આપી હતી. એલસીબીએ આ સ્થળે જઇ કુવામાંથી મહિલાના અવશેષ કબ્જે કર્યા છે. એક વર્ષ બાદ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના રૂપાવટી ગામમાં રહેતા દયાબેન વલ્લભ સાવલીયા (ઉ.વ. 35) તા. 2-1-2024ના ઘરેથી 9.03 લાખના દાગીના અને 30,000 રોકડા લઈ કોઈને કહ્યા વિના જતી રહી હતી. આ અંગે વલ્લભભાઈ સાવલીયાએ વિસાવદર પોલીસમા જાણવા જોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દયાબેનને 11 વર્ષનો પુત્ર હતો. પોલીસ દ્વારા દયાબેનની શોધખોળ માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં દયાબેનને રૂપાવટીના હાર્દિક ધીરૂ સાવલીયા સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના બાતમીદારો અને ટેકનિકલ સ્ત્રોત મારફત પણ હાર્દિક સુખડીયા તરફ જ શંકાની સોઈ ચીંધાતી હતી. હાર્દિક ધીરુ સુખડિયા પૂછપરછ કરતા દયાબેનને રાહુલ નામના યુવક સાથે પ્રેમ હોવાથી તેની સાથે ભાગી ગઈ છે . તેમાં પોતે મદદ કરી છે બીજી કોઈ જાણ નથી એવું રટણ કર્યું હતું. આ શખ્સે બનાવ જાહેર થયો ત્યારથી મોબાઈલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. પોલીસે તેનો ગાંધીનગર ખાતે મનોવૈજ્ઞાાનિક ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં પણ હાર્દિક સુખડીયા પોતાની મજબુત માનસિકતાના કારણે હકીકત સામે આવવા દીધી ન હતી. આથી આ કેસ પોલીસ માટે પડકારજનક અને કઠિન બની ગયો હતો.આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી તેમાં સમગ્ર બાબત હાર્દિક સુખડીયા તરફ ઈશારા કરી ત્યાં અટકી જતી હતી પરંતુ એફ.એસ.એલ.નો અભિપ્રાય પણ હાર્દિક શકમંદ ન હોવાનું હોવાથી આ કોકડું વધુ ગુંચવાયું હતું. એલસીબીએ હાર્દિક સુખડીયાને કચેરી ખાતે બોલાવી પૂછપરછ કરતા પ્રથમ તો કોઈ કૃત્ય કર્યું નથી એવી વાત કરી હતી. બાદમાં એલસીબીએ સવાલોનો મારો ચલાવી કેટલાક પુરાવા બતાવ્યા હતા. આખરે હાર્દિક સુખડીયા ભાંગી પડયો હતો અને પોતે જ દયાબેનની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. હાર્દિક સુખડીયા એલસીબી સમક્ષ વટાણા વેરી દીધા હતા. જણાવ્યું હતુ કે તેને દયાબેન સાથે પ્રેમ સંબંધ હતો, ગામમાં સાથે રહી શકે એમ ન હતો છતાં દયાબેન તેની પાછળ પડી હતી. આથી તેનો કાંટો કાઢવા માટે બગસરા તાલુકાના હડાળા ખારી વચ્ચે પથ્થર મારી હત્યા કરી દયાબેનની લાશને અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી.
એલસીબીના સ્ટાફે અમરેલી એફ.એસ.એલ.અને બગસરા ફાયર બ્રિગેડની મદદથી હડાળાની સીમમાં આવેલા કુવામાંથી દયાબેનના મૃતદેહના અવશેષ કબ્જે કરી ફોરેન્સિક પી.એમ.માટે ભાવનગર મોકલ્યા હતા. હાર્દિક સુખડીયાએ પ્રેમિકા દયાબેનથી પીછો છોડાવવા માટે કાસળ કાઢી નાખ્યું હતું. હાલ મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે હાદક સુખડીયા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.