માતા-પિતા બહાર ગયા હતા અને દીકરી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ ખૂટ્યા, મોતનું ચોક્કસ કારણ પીએમ અર્થે ખસેડાયો
Rajkot તા.૧૪
શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ટીટોડીયા ક્વાર્ટરમાં કોલેજિયન યુવતીનું પોતાના ઘરે જ અચાનક ચક્કર આવી પડી ગયા બાદ રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હોસ્પિટલના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મુંજકા ગામના ટીટોડીયા ક્વાર્ટરમાં રહેતા ધ્રુવીકાબેન પ્રવીણભાઈ ગોંડલિયા (ઉં ૨૨) આજે બપોરના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર અચાનક ચક્કર આવીને નીચે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. ઘટના સમયે ધ્રુવીકાબેનના માતા-પિતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા અને તેની નાની બહેન પણ ઘરે હાજર નહોતી. બપોરના સમયે ધ્રુવીકાબેન અચાનક ચક્કર આવતા પડી જતા ઘરમાં બુમાબુમ થતાં જ આજુબાજુના પાડોશીઓ દોડી આવ્યા હતા.
પાડોશીઓએ તુરંત જ આ અંગે બહાર ગયેલા માતા-પિતાને ફોન દ્વારા જાણ કરી હતી અને બેભાન હાલતમાં ધ્રુવીકાબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેને જોઈ-તપાસીને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક ધ્રુવીકાબેન બે બહેનોમાં મોટા હતા અને કોલેજમાં અભ્યાસ કરતા હતા, તેમના પિતા પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભરજુવાનીમાં લાડકવાઈ દીકરીનું અચાનક મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાથી તબીબોએ મોતનું કારણ સ્પષ્ટ કરવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની તજવીજ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.

