ઘરેણા છોડાવી આપનાર પેઢીએ ફાઇનાન્સ, વચેટિયા અને લોનધારક સામે ગુનો નોંધાવ્યો’તો
Rajkot તા.૧૪
ફાઇનાન્સમાં લોન માટે ગીરવે મુકવા અને છોડાવવાની કાર્યવાહી દરમિયાન ૨૨ કેરેટ સોનાના હોલમાર્ક કહેવાતા ઘરેણા નકલી નીકળતા ફાઇનાન્સ પેઢી, વચેટીઓ અને લોન લેનારા સામે ઘરેણા છોડાવી આપનાર પેઢી દ્વારા નોંધાયેલા રૂ. ૧૫.૬૦ લાખની ગુનામાં લીંબડીના લાલજી જોગરાણાની બીજી વખતની જામીન અરજી ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં અન્યોએ ગીરવે મૂકેલું સોનું છોડાવી દેવાનો બિઝનેસ કરતી હિંમત ગોલ્ડ સેન્ટર મારફત લાલજી ખોડા જોગરાણા (રહે. લીંબડી)એ ક્રિશા ફાઈનાન્સ પેઢીમાં ગીરવે મુકેલ કુલ ૧૭૭.૮૦ ગ્રામ બાવીશ કેરેટ હોલમાર્ક લગાડેલા સોનાના ઘરેણા છોડાવ્યા હતા, અને તેના હિસાબના રૂ. ૧૫.૬૦ લાખ હિંમત ગોલ્ડ સેન્ટર દ્વારા લાલજી જોગરાણાને આપવામાં આવ્યા હતા, પરંતુ હોલમાર્ક અંગે શંકા જતા ચકાસણી કરાવતા આ ૧૭૭.૮૦ ગ્રામ ઘરેણા ૨૨ કેરેટને બદલે તેમાં માત્ર એક ગ્રામ સોનું હોવાનું પુરવાર થયું હતું.
આથી હિંમત ગોલ્ડ સેન્ટરના સંચાલકો દ્વારા લાલજી ખોડા જોગરાણા, ક્રિશા ફાઇનાન્સવાળા પંકજ કિશોરભાઇ વાયા, વચેટીઓ તરુણ રાવલ વગેરે સામે છેતરપિંડીની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. જે આરોપીઓ પૈકી લાલજી ખોડાભાઈ જોગરાણાએ પુરવણી ચાર્જશીટ બાદ જેલમાંથી રેગ્યુલર જામીન અરજી કરી હતી. બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલની દલીલજામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી. જે દલીલ ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

