Maharashtraતા.18
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં અફવાઓના કારણે ગઈકાલે રાત્રે ફાટી નીકળેલી હિંસાની ટીકા કરી છે. તેમજ આ હિંસા પૂર્વ આયોજિત હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, પોલીસ પર હુમલો અમે ક્યારેય સહન કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પ્રદર્શન કર્યું, ત્યારબાદ અફવાઓ ફેલાઈ અને ધાર્મિક સામગ્રીને આગ ચાંપવામાં આવી. એવુ લાગી રહ્યું છે કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. પરંતુ કોઈએ કાયદો પોતાના હાથમાં લેવાની જરૂર નથી.
ફડણવીસે કહ્યું હતું કે, છાવા ફિલ્મના લીધે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. તેના લીધે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષની લાગણી જોવા મળી છે. તમામને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા અપીલ છે.
સોમવારે મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના 200થી વધુ લોકો શિવાજી મહારાજની પ્રતિમા સામે દેખાવો કરી રહ્યા હતા. તેમણે ઔરંગઝેબની કબર દૂર કરવાની માગ સાથે દેખાવો કર્યા હતાં. જો કે, અચાનક આ વિરોધ હિંસામાં પરિણમ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાએ કથિત રીતે મુઘલ સમ્રાટનું પૂતળું બાળ્યું હતું, પરંતુ આ ઘટનાથી પવિત્ર ગ્રંથનું અપમાન થયુ હોવાની અફવાઓ ફેલાઈ હતી. જેના લીધે હિંસા ફાટી નીકળતાં અનેક પોલીસકર્મીઓ ઘવાયા હતા. અનેક વાહનો ભડકે બાળ્યા હતાં. આ અફવા સોશિયલ મીડિયા પર 80થી 100 લોકોના ગ્રૂપે ફેલાવી હતી. હિંસામાં ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો.