Gandhinagar તા.31
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે આજે (31 જુલાઇ) સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે. જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે.
ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને ’વોર્નિંગ સ્ટેજ’ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો, જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો સરદાર સરોવરના ઉપરવાસના કેચેમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલીને 30 જુલાઈના રોજ સાંજે 5 કલાકે 4,40,965 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતાં એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પ્રથમ તબક્કામાં 50,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે.
જળસપાટી વધીને 131 મીટરને પાર હાલમાં નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. 12 કલાકમાં જ ડેમની સપાટીમાં 2 મીટરનો વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી 2,23,789 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી નર્મદા ડેમની જળસપાટી દર કલાકે ધીરે ધીરે વધી રહી છે.