Surat,તા.25
રમતગમત જગતમાં અનેક મેડલ જીતનાર અને શહેરનું નામ રોશન કરનાર એક પ્રતિભાશાળી ખેલાડી, કાયદાના ઘેરાવમાં આવી ગયો છે. સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે ફુલવાડી-ભરીમાતા રોડ પરથી નેશનલ લેવલનો ખેલાડી વિકાસ અશોક ભાર્ગવને તમંચા સાથે ઝડપી પાડતા, રમતપ્રેમીઓ અને સમાજમાં ભારે ચકચાર મચી ગઈ છે.
30 વર્ષીય વિકાસ ભાર્ગવ શહેરના વેડ રોડ પર આવેલ અક્ષય એપાર્ટમેન્ટમાં રહે છે. બાળપણથી જ રમતગમત ક્ષેત્રે તેજસ્વી હતો. શૂટિંગ અને વોલીબોલમાં તેની સિદ્ધિઓએ સુરત જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.
ખેલ મહાકુંભમાં વિકાસે પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને લોકોની નજરમાં રાઈઝિંગ સ્ટાર બની ગયો હતો. અંડર-14થી લઈને નેશનલ લેવલ સુધી ગુજરાતનું પ્રતિનિધિત કરનાર વિકાસે અનેક ટૂર્નામેન્ટ્સમાં પોતાનો પરાક્રમ દર્શાવ્યો હતો.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભરીમાતા રોડ પર વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતો વિકાસ પોલીસના શંકાના ઘેરામાં આવ્યો. તેની તપાસ કરતાં પોલીસે તેના પાસે બનાવટી તમંચો શોધી કાઢ્યો.
પૂછપરછમાં વિકાસે સ્વીકાર્યું કે આ હથિયાર તેને વેડ રોડ આનંદપાર્કમાં રહેતા તેના મિત્ર ઋત્વિક ઉર્ફે સોનિયો પ્રકાશ જોગીએ સાચવવા માટે આપ્યું હતું. વર્ષ 2022માં પણ તે હત્યા કરવાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળના કેસમાં સહાય કરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો.