Bhavnagar, તા.8
ભાવનગરનાસિહોરમાં રહેતા એક વૃદ્ધા ઘરે એકલા હતા તે વેળાએ એક ભત્રીજાએ ઘરમાં ઘુસી, વૃદ્ધાને ગળે છેરી રાખી મંગળસુત્ર, સોનાની બંગડી સહિતના ઘરેણાં લૂંટી લેતા વૃદ્ધાના કુટુંબી ભત્રીજા ને પોલીસે ઝડપી લીધો છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોર ગામે રાજનાથ મંદિર સામે રહેતા હર્ષાબેન રમેશભાઇ વોરા ઉ.વ.62 ઘરમાં એકલા હતા અને તે વેળાએ તેમના ઘરની બાજુમાં આવેલી દુકાને તેમના પતિને શરબત બનાવીને આપવા ગયા હતા.
જે બાદ દુકાનેથી પરત ફર્યા હતા અને રૂમમાં જતાં જ પાછળથી એક બુકાનીધારી લૂંટારૂ શખ્સે વૃદ્ધા કંઇ સમજે એ પહેલા જ તેમના ગળે છરી રાખી જે કંઇ પણ ઘરમાં સોના-ચાંદીના દાગીના હોય તે આપી દેવાનું કહેતા, વૃદ્ધાએ દોઢ તોલાનું મંગળસુત્ર, ચાર સોનાની બંગડી સહિતની વસ્તુઓ આપી હતી અને અન્ય ઘરેણા નહીં હોવાનું કહેતા લૂંટારૂ એક લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં લૂંટી નાસી છૂટ્યો હતો.
આ બનાવની જાણ થતાં જ સિહોર, એલ.સી. બી. પોલીસ દોડતી થઇ ગઇ હતી અને ગણતરીની કલાકોમાં જ લૂંટારૂ આરોપી તરંગ જીતેન્દ્રભાઇ વોરા (રહે. કિલ્લોલ ફ્લેટ, ઘોઘાસર્કલ, ભાવનગર) ની ધરપકડ કરી હતી.સિહોર પોલીસે આરોપી તરંગ વોરાની ધરપકડ કરતા લૂંટમાં નવો વળાંક સામે આવ્યો હતો.
સિહોરના પી.આઇ. જાડેજાએ જણાવ્યું હતું કે, હર્ષાબેનનો કુટુંબી ભત્રીજા તરંગ વોરાએ સમગ્ર લુંટનો પ્લાન ઘડ્યો હતો અને તરંગે આગલા દિવસે ઘરની રેકી કરી હતી અને આઠ લાખ રૂપિયાનું થઇ જતાં કુટુંબી ભત્રીજાએ કાકીના ઘરેણાં લૂટી, માથે ચડેલું લેણું ઉતારી લેવાનો પ્લાન ઘડ્યો હતો.
લૂંટ બાદ પોલીસથી બચવા ટીશર્ટ બદલી નાંખ્યું હતું અને અન્ય કલરનું ટી-શર્ટ પહેરી બાઇક લઇ ફરાર થયો હતો.પોલીસે 100 જેટલા નેત્રમ તેમજ અન્ય સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી આરોપીની ભાળ મેળવી હતી અને સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર જવાના તમામ રસ્તાઓ ઉપર ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. જે બાદ આરોપીને સીદસર નજીકથી ધરપકડ કરી લેવામાં પોલીસને સફળતા મળી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.