Gandhinagar, તા.8
મહેસુલી કાયદાને સરળ બનાવવાના પ્રયાસોમાં રાજ્ય સરકાર વધુ એક મહત્વનું કદમ ઉઠાવવાની તૈયારીમાં છે. મહેસુલ સંબંધી પ્રવર્તમાન વધુ કાયદાઓના સ્થાને નવો ગુજરાત જમીન વહિવટ કાયદો લાગૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
મહેસુલી ક્ષેત્રમાં વિવાદો રોકવા તથા કાયદા સરળ બનાવવાની ભલામણો સુચવવા રાજ્ય સરકારે કમીટીનું ગઠન કર્યું હતું તેના દ્વારા બે દિવસની મેરેથોન બેઠક યોજીને સમગ્ર કાનૂની માળખા પર મંથન કરવામાં આવ્યું હતું. કમીટીએ એવું તારણ દર્શાવ્યું હતું કે જમીન તથા મહેસુલ સંબંધી અનેકવિધ કાયદા-નિયમોને કારણે સમગ્ર પ્રક્રિયા ઝંઝટભરી છે અને પરિણામે વારંવાર વિવાદો થતાં રહે છે.
એકાદ ડઝનથી વધુ જોગવાઇઓને કારણે કાયદો સરળતાથી લાગૂ થઇ શકતો નથી અને કાનૂની વિવાદો વધી જાય છે. આ સંજોગોમાં પ્રવર્તમાન કાયદાની 16 જોગવાઇઓને એક સૂત્રતિત એકઠી કરીને નવો સીંગલ કાયદો ઘડવાની જરૂર છે.
રાજ્ય સરકારના માહિતગાર સૂત્રોએ કહ્યું કે નવા સૂચિત કાયદામાં જમીન રેકર્ડ, મહેસુલી વહિવટ અને તેને સંલગ્ન કાનૂની પ્રક્રિયાને આવરી લેવામાં આવશે. વહીવટી સરળતાની સાથોસાથ કાર્યક્ષમતા પણ વધી જશે. રાજ્ય સરકારે ભૂતકાળમાં 2012માં પણ સમાન કવાયત હાથ ધરી હતી. પરંતુ પ્રક્રિયા આગળ ધપી શકી નહતી અને વર્તમાન કાયદાને ચાલુ રાખવામાં આવ્યા હતા.
હવે રાજ્ય સરકારે નવેસરથી પ્રક્રિયા હાથ ધરી છે. મહેસુલી કાયદાને સરળ અને સ્પષ્ટ બનાવવાની તૈયારી આરંભી છે. રાજ્ય સરકારની આ કમીટીમાં અધ્યક્ષ પદે નિવૃત્ત આઇએએસ અધિકારી સી.એલ. મીના છે કમીટીને તમામ મહેસુલી કાયદા, નિયમો, ઠરાવો તથા મેન્યુઅલ પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતે અત્યાર સુધીના ચુકાદાઓમાં કાનૂની જોગવાઇઓનું કેવું અર્થઘટન કર્યું છે તે ચકાસવા પણ કહેવાયું છે. કાયદામાં સુધારા માટેની ભલામણો કરવા પણ કહેવાયું છે. આ ઉપરાંત વિવિધ સંસ્થા-સંગઠનોની રજુઆત-માંગણીઓ ચકાસણીને કાયદા-નિયમોમાં સુધારા સુચવવા પણ કહેવાયું છે. બિલ્ડરો, વકિલો સહિતના સંગઠનો વખતોવખત રજાુઆતો કરતા હોય છે.
ક્યાં મહેસુલી કાયદા બદલાશે?
* ગુજરાત લેન્ડ રેવન્યૂ કોડ 1879
* ગુજરાત ટેનેન્સી એન્ડ એગ્રી લેન્ડ એક્ટ 1948
* સૌરાષ્ટ્ર ઘરખેડ, ટેનન્સી સેટલમેન્ટ એન્ડ કૃષિ જમીન વટહુકમ 1949
* ગુજરાત ટેનન્સી-કૃષિ જમીન (વિદર્ભ-કચ્છ) કાયદો 1958
* સૌરાષ્ટ્ર જમીન સુધારા કાયદો 1951
* સૌરાષ્ટ્ર એસ્ટેટ એક્વીઝીશન એક્ટ 1952
* મામલતદાર કોર્ટ એક્ટ 1906
* ગાડીયન-વોર્ડ એક્ટ 1890
* ગુજરાત કોર્ટ ઓફ વોર્ડ એક્ટ 1963
* ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020
* ગુજરાત સ્ટેમ્પ એક્ટ-1958
* ઇન્ડિયન ટ્રેઝર ટ્રોથ એક્ટ 1878
* ડીસ્ટર્બડ એરિયા એક્ટ 1991 હેઠળ સ્થાવર મિલ્કતો ટ્રાન્સફરની જોગવાઇ.

