Wellington,તા.૬
ન્યૂઝીલેન્ડના સૌથી ઊંચા પર્વત શિખર ’ઓરાકી’ પર ચઢવાનું આયોજન કરનાર અમેરિકા અને કેનેડાના ત્રણ ક્લાઇમ્બર્સ પાછા ફરવામાં નિષ્ફળ રહ્યા છે. હવે આ આરોહકો ગુમ થયાની માહિતી મળી રહી છે. અધિકારીઓએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે શનિવારે આ લોકો પહાડ પર ચડવાનું શરૂ કરવા ગયા હતા, પરંતુ સોમવાર સુધી તેમના વિશે કોઈ માહિતી મળી ન હતી. આ ત્રણેય પર્વતારોહકો ચડ્યા બાદ પૂર્વનિર્ધારિત સ્થળે પહોંચ્યા ન હતા, જે બાદ તેમને ગુમ જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે થોડા કલાકો પછી શોધકર્તાઓને કેટલાક ક્લાઇમ્બીંગ સાધનો મળ્યા જે ત્રણ ક્લાઇમ્બર્સના હોવાનું માનવામાં આવે છે. પરંતુ, શોધ દરમિયાન, ત્રણેય ક્લાઇમ્બર્સ વિશે કંઇ મળી શક્યું નથી. માઉન્ટ કૂક તરીકે ઓળખાતા ઓરાકીમાં ખરાબ હવામાનને કારણે મંગળવારે સર્ચ ઓપરેશન શરૂ થઈ શક્યું ન હતું. અહીં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.
અમેરિકન માઉન્ટેન ગાઈડ એસોસિએશનની વેબસાઈટ અનુસાર, કોલોરાડોના કર્ટ બ્લેર (૫૬) અને કેલિફોર્નિયાના કાર્લોસ રોમેરો (૫૦) ઊંચા પર્વતીય વિસ્તારોમાં પ્રમાણિત માર્ગદર્શક છે. ન્યુઝીલેન્ડ પોલીસે તેમના નિવેદનમાં કેનેડિયન ક્લાઇમ્બરનું નામ લીધું ન હતું, પરંતુ તેના પરિવારને જાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઓરકી શિખર ૩,૭૨૪ મીટર ઊંચું છે અને તે દક્ષિણ આલ્પ્સનો ભાગ છે. તેની સુંદર અને બરફીલા પર્વતમાળા ન્યુઝીલેન્ડના દક્ષિણ ટાપુ સુધી વિસ્તરેલી છે. ૨૦મી સદીની શરૂઆતથી આ પર્વત અને તેની આસપાસના રાષ્ટ્રીય ઉદ્યાન પર ૨૪૦ થી વધુ મૃત્યુ નોંધાયા છે.