Jasdan,તા.14
રાજયમાં હાલ 3,60,19,376 જેટલા NFSA રેશનકાર્ડ લાભાર્થીઓ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા ઓનલાઈન પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડેટાના આધારે પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકો પૈકી ગુજરાતમાં શંકાસ્પદ વ્યકિતઓના ડેટા ચકાસણી માટે કુલ 56,57,519 કાર્ડ ધારકોની યાદી આપવામાં આવી છે.
અત્યારસુધીમાં આ યાદીમાંથી 15,66,492 કાર્ડ ધારકોની ચકાસણી કરી લેવાઈ છે તેમ, અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું. વધુમાં મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, NFSA ની કાર્ડ ધારકોની પાત્રતા રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમાં જમીન ધારણ કરવાની બાબતમાં કેન્દ્ર સરકારે 1 હેકટર એટલે કે 2.47 એકરથી વધુ જમીન ધરાવતા લાભાર્થીઓને આ યાદીમાં સામેલ કર્યા છે.
જે પૈકી 3,17,660 લાભાર્થીઓ આ યાદીમાં સામેલ છે. જ્યારે ગુજરાતમાં પીયત જમીન હોય અને બે પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીઓના હિતમાં પાંચ એકર એટલે કે ડબલ જમીન તથા પીયતના સાધનો હોય છતાં વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવતો હોય તેવા કિસ્સામાં જમીનની મર્યાદા 7.5 એકર નકકી કરવામાં આવી છે. જેથી આ પાત્રતા મુજબ ગુજરાતનો આકડો ઘણો ઓછો રહે છે.
મંત્રી બાવળીયા એ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોનું વેરીફીકેશન કરાયા બાદ જે તે લાભાર્થીને મામલતદાર કક્ષાએથી જાણ કરવામાં આવે છે કે આપનું નામ ચકાસણી મુજબ નોન-NFSA કરવા પાત્ર જણાય છે.
ખરેખર તમે NFSAની પાત્રતા ધરાવતા હોય તો પાત્રતા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે. આમ હાલમાં જે લાભાર્થીઓની પાત્રતા શંકાસ્પદ છે તેઓને જ પોતાની પાત્રતા સ્પષ્ટ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, આ પ્રક્રિયા બાદ તાલુકાકક્ષાએ મામલતદારના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરવાર કરશે તેઓનું નામ NFSA કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામાં આવશે. યોગ્ય પુરાવા રજૂ ન કરનારનું નામ NFSA માંથી નોન-NFSA માં લઇ જવામાં આવશે એટલે કે કોઈપણ રેશનકાર્ડ રદ કરવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી તેમ, મંત્રીએ ઉમેર્યું હતું. અત્યાર સુધીમાં 15.66 લાખ કાર્ડ આ મુજબ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે.