રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
જીઓ-પોલિટિકલ ક્રાઇસીસ વચ્ચે ગત સપ્તાહની શરૂઆતના સેશનમાં નકારાત્મક રહ્યા બાદ ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ અને નીચા મથાળે ફંડોની ખરીદી નોંધાતા સપ્તાહના અંતે ભારતીય શેરબજાર નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષિય વેપાર કરાર અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો મળતા વેપાર અને રોકાણ પ્રવાહ માટે સકારાત્મક સંકેત અને અમેરિકાની ફેડ રિઝર્વની પોલિસી મિટિંગમાં સેન્ટ્રલ બેન્ક વ્યાજના દર ૪.૨૫% થી ૪.૫૦% ની રેન્જમાં જાળવી રાખતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
ઉપરાંત, વૈશ્વિક સ્તરે વર્તમાન પડકારો સામે પણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા છેલ્લા સતત નેટ ખરીદી કરી રહ્યા હોવાથી ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગત સપ્તાહે ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરો ૪.૨૫% થી ૪.૫૦% પર યથાવત રાખવાનો નિર્ણય અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં તેજી આગળ વધતા ભાવ પાંચ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં અંદાજીત ૭ થી ૮%નો ઉછાળો નોંધાતા, હવે જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલર સુધી વધી શકે છે. વર્તમાન ભાવ પહેલાથી જ સૌથી ખરાબ જીઓપોલિટીકલ પરિસ્થિતિની શકયતાએ ૭% થી ૮%નો ઉછાળો દર્શાવે છે, જેમાં ઈરાનનો ઓઈલ પુરવઠો વિશ્વ બજારમાં મોટાપ્રમાણમાં ખોરવાઈ જવાના સંજોગોમાં ભાવમાં ઉછાળો જોવાઈ શકે છે. આ દરમિયાન અત્યારે ક્રુડ ઓઈલના ભાવોમાં જોવાઈ રહેલી તેજીથી તાતપુરતી વૈશ્વિક ઓઈલ પુરવઠાની સ્થિતિ પર ખાસ અસર નહીં થવાની નિષ્ણાતો શકયતા બતાવી રહ્યા છે. પરંતુ જો ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મિડલ ઈસ્ટમાં વધુ દેશોમાં ફેલાવાના અને અમેરિકા સહિતને ઈરાનની ચેતવણીને જોતાં જો અમેરિકા યુદ્વમાં ઈઝરાયેલના પક્ષમાં સીધું ઉતરી આવશે તો યુદ્વ વકરવાના અને ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાય એવી શકયતા રહેશે.
વર્ષ ૨૦૨૬માં ઓઈલના સરેરાશ ભાવ ૬૦ ડોલર રહેવાનો તેમનો અંદાજ છે, પરંતુ ખરાબ પરિસ્થિતિના સંજોગોમાં આ ભાવ વધીને ૧૨૦ ડોલરથી ૧૩૦ ડોલરની રેન્જમાં પણ આવી શકે છે. આ માટે તેમણે લશ્કરી સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેડ બંધ થવાની સ્થિતિમાં સંભવિત આ ભાવમાં વધારો થવાની ચેતવણી ઉચ્ચારી છે. આ માર્ગે વૈશ્વિક ઓઈલના પાંચમાં ભાગનું વહન થાય છે. જ્યારે આવા વધારાથી પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે, ખાસ કરીને જો ઈરાનની ૨૧ લાખ બેરલ પ્રતિ દિન નિકાસ બંધ થઈ જાય, તો આ સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં ઉનાળાની માંગ અને ઓછી યુ.એસ. ઈન્વેન્ટરી દ્વારા ઓઈલને ટેકો મળે છે. પરંતું મેક્રોઈકોનોમિક અવરોધો તેમજ વધતાં ઓપેક ઉત્પાદન ભાવ પર અસર કરે એવી શકયતા છે, જો કે જાહેર ક્ષેત્રની ઓઈલ રીફાઈનરીઓ અને રિટેલરોના ટોચના અધિકારીઓ વચ્ચે યોજાયેલી સમીક્ષા મીટિંગ બાદ જણાવ્યું હતું કે, ભારત પાસે પર્યાપ્ત ઊર્જા – એનર્જી ભંડાર છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી તેમજ ૧૯ જુન ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૯૮૩૬.૧૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી તેમજ ૧૯ જુન ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૦૪૩.૪૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ઇઝરાયલે ઈરાનના તહેરાન પર મિસાઇલ હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની અસર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી રહી છે. માત્ર બે દિવસમાં, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦ ડોલર વધીને ૭૫ ડોલર થયો છે. ભારત જેવા દેશો, જે તેમની ૮૫% ઇંધણ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે, તેમને આની સીધી થશે. મધ્ય પૂર્વમાં ભારે તણાવનાં કારણે જ્યારે ક્રૂડ ઓઈલમાં અંદાજીત ૧૨% નો ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે આરબીઆઈ દ્વારા આ ઉછાળાને નિયંત્રિત કરવા માટે ડોલર વેચ્યા હતા. ઈરાને પણ આ હુમલાનો જવાબ આપતા હવે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાના યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે વૈશ્વિક ધોરણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધો આવી શકે છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. એવામાં જો ક્રૂડના ભાવમાં વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને આગામી દિવસોમાં ફુગાવો વધી શકે છે જેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)SBI લાઇફ (૧૮૦૯) : લાફઇ ઇન્સ્યુરન્સ સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૭૮૭ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૭૭૩ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૮૨૪ થી રૂા.૧૮૩૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૮૪૦ ઉપર તેજી તરફ ધ્યાન…!!
(ર)ગ્લેનમાર્ક ફાર્મા (૧૬૪૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૬૨૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૬૦૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૬૫૭ થી રૂા.૧૬૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ભારત ફોર્જ (૧૨૭૮) : રૂા.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂા.૧૨૩૦ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૨૯૪ થી રૂા.૧૩૦૩ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!
(૪)HDFC બેન્ક (૧૯૬૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેકટર નો આ સ્ટોક રૂા.૧૯૮૮ આસપાસ વેચવાલી થકી રૂા.૧૯૩૩ થી રૂા.૧૯૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૨૦૦૩ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!
(પ) HCL ટેકનોલોજી (૧૭૩૪) : રૂા.૧૭૬૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૭૭૦ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૭૦૭ થી રૂા.૧૬૯૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)ટેક મહિન્દ્રા (૧૬૯૬) : કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૭૪૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૬૭૬ થી રૂા.૧૬૬૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)રેલ વિકાસ નિગમ (૩૭૪) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૯૩ થી રૂ.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)ઓરિયન્ટ ટેક્નોલોજીસ (૩૧૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૩૦૩) : રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૭૪ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) આરબીએલ બેન્ક (૨૧૬) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫) ટૂરીઝમ ફાઈનાન્સ કોર્પોરેશન (૨૧૪) : રૂ.૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટયુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) નોસિલ લિ. (૧૭૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૪ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) ગેઈલ (ઈન્ડિયા) લિ. (૧૮૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૯૪ થી રૂ.૨૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) આઈનોક્સ વિન્ડ (૧૬૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ રોકાણકારે રૂ.૧૭૮ થી રૂ.૧૮૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) એસજેવીએન લિ. (૯૦) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૮ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૨) એચબી સ્ટોક હોલ્ડિંગ્સ (૮૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનાં આ સ્ટોકને ૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૭ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩) એનએચપીસી લિ. (૭૭) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૫ થી રૂ.૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૫૭) : રૂ.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૪ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ભારતનો રિઅલ જીડીપી ગ્રોથ રેટ ૬.૫% થી વધુ રહેવાનો અંદાજ…!!
ભારતના અર્થતંત્રની ગાડી પાટા પર હોવાના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬)માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી)ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)ગ્રોથ ૬.૩% થી વધુ રહેશે.જીડીપીની ગણતરી દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્ય પરથી નક્કી થાય છે,જ્યારે જીવીએઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યમાંથી મધ્યવર્તી માલ અને સેવાઓની કિંમત બાદ કરીને મેળવવામાં આવે છે.
ઈકરા રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો (સીપીઆઈ)૪.૨% થી વધુ રહેવાનો અંદાજ છે,જ્યારે જથ્થાબંધ ફુગાવો (ડબ્લ્યુપીઆઈ) ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે.ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે. ગ્રામીણ માંગ મજબૂત રહેવાની શક્યતા છે.
સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ૨૦૨૫-૨૬માટેના કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત,દર ઘટાડાને કારણે ઈએમઆઈ(માસિક હપ્તા)માં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ છે. જ્યારે સર્વિસ નિકાસમાં વૃદ્ધિ નોંધાવાની સંભાવના છે. ૨૦૨૫-૨૬માં કેન્દ્રનો મૂડી ખર્ચ ૧૦.૧ટકા વધવાનો અંદાજ છે,જે રોકાણ પ્રવૃત્તિઓને વેગ આપશે.ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માટે આરબીઆઇએજીડીપીગ્રોથ અંદાજ ૬.૫% પર જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપીગ્રોથ રેટ ૬.૫% નોંધવામાં આવ્યો હતો અને ૨૦૨૫-૨૬માં સમાન રહેવાનો અંદાજ છે.
ભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ પર વૈશ્વિક ભૂરાજકીય તણાવની સીધી અસર…!!
ચીન અને અમેરિકા વચ્ચે વેપાર અનિશ્ચિતતા અને વધતા જતા વૈશ્વિક ભૂરાજકીય તણાવની અસર ભારતની જેમ્સ જ્વેલરીની (રત્નો અને ઝવેરાત) નિકાસ પર પણ સીધી અસર થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું કે મે મહિનામાં કુલ રત્નો અને ઝવેરાતની નિકાસ વાર્ષિક ધોરણે ૧૫.૮૧% ઘટીને ૨૨૬.૩૪ કરોડ ડોલર (રૂ.૧૯,૨૬૦.૮૧ કરોડ) થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, આયાતમાં પણ ૧૨.૯૬%નો ઘટાડો થયો છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર,૨૦૨૪ના સમાન સમયગાળા દરમિયાન ઉદ્યોગની નિકાસ ૨૬૮.૮૩ મિલિયન ડોલર (૨૨,૪૧૪.૦૨ કરોડ રૂપિયા) રહી હતી. મે મહિનામાં પોલિશ્ડ હીરાની નિકાસ ૩૫.૪૯% ઘટીને ૯૪૯.૭ મિલિયન ડોલર (૮૦૮૯.૮૧ કરોડ રુપિયા) થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમય ગાળામાં ૧૪૭૨.૦૩ મિલિયન ડોલર (૧૨,૨૭૨.૦૩ કરોડ રૂપિયા) હતી.મે મહિનામાં પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાની નિકાસ વાર્ષિક ધોરણે ૩૨.૭૬% ઘટીને ૮૦.૯ મિલિયન ડોલર (૬૮૯.૭૧ કરોડ રૂપિયા) થઈ,જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૨૦.૩ મિલિયન ડોલર (૧૦૦૩.૦૬ કરોડ રૂપિયા) હતી.
મે ૨૦૨૫માં, કાચા હીરાની આયાતમાં ૫.૪૬% નો ઘટાડો થયો હતો અને રંગીન રત્નોની નિકાસમાં ૧.૧૩% નો ઘટાડો થયો હતો. જોકે,આ દરમિયાન,સોનાના ઝવેરાતની માંગમાં સુધારો થયો છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, સોનાના ઝવેરાતની નિકાસ વાર્ષિક ધોરણે ૧૭.૨૪% વધીને ૯૯૭.૫ મિલિયન ડોલર (રૂ.૮૪૮૨.૬૧ કરોડ) થઈ છે. એપ્રિલ-મે દરમિયાન, ચાંદીના ઝવેરાતની કુલ નિકાસ ૧૭.૫૯% ઘટીને૧૫૦ મિલિયન ડોલર (રૂ.૧૨૮૧.૯૨ કરોડ) થઈ હતી,જે ગયા વર્ષના સમાન સમય ગાળામાં ૧૮૨.૧ મિલિયન ડોલર (રૂ.૧૫૧૮.૬૯ કરોડ) હતી.
મે માસમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૧૪ મહિનાની નીચી સપાટીએ…!!
ખાદ્ય વસ્તુઓ, મેન્યુફેકચરિંગ વસ્તુઓ અને ઇંધણની ભાવ ઘટવાના કારણે મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) ઘટીને ૧૪ મહિનાના નિમ્ન સ્તર ૦.૩૯%એ આવી ગયો છે. જો કે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભૂ રાજકીય તંગદિલીને કારણે કીંમતો વધી શકે છે. ડબ્લ્યુપીઆઇ આધારિત ફુગાવો એપ્રિલમાં ૦.૮૫%અને મે,૨૦૨૪માં ૨.૭૪%રહ્યો હતો. ડબ્લ્યુપીઆઇ ડેટા અનુસાર ખાદ્ય વસ્તુઓની કીંમતોમાં મે મહિનામાં ૧.૫૬%નો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલમાં તેમાં ૦.૮૬%નો ઘટાડો જોવા મળ્યો હતો.
શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મેમાં શાકભાજીના ભાવમાં ૨૧.૬૨%નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એપ્રિલમાં તેમાં ૧૮.૨૬%નો ઘટાડો જોવા મળ્યો હતો.મેન્યુફેકચરિંગ ઉત્પાદનોનો ફુગાવો ૨.૦૪%રહ્યો છે જ્યારે એપ્રિલમાં તે ૨.૬૨%રહ્યો હતો. મેમાં ઇંધણ અને વીજળીનો ફુગાવો ૨.૨૭%રહ્યો છે જ્યારે એપ્રિલમાં તે ૨.૧૮%હતો. ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યતવે રીટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે.
ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મે મહિનામાં રીટેલ ફુગાવો ૨.૮૨% રહ્યો છે. જે છ વર્ષની નીચલી સપાટી દર્શાવે છે. આરબીઆઇએ ફુગાવામાં ઘટાડાની વચ્ચે આ મહિને નીતિગત વ્યાજ દરોમાં ૦.૫૦% નો ઘટાડો કર્યો છે. આ સાથે જ રેપો રેટ ઘટીને ૫.૫%થઇ ગયો છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૩.૭% રાખ્યો છે. આ અગાઉ આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૪% રાખ્યો હતો.
મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ વણસવાની સ્થિતિમાં નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ ૨૦% વધી જવાનું જોખમ…!!