Junagadh તા.3
ગઈકાલે નેમીનાથ ભગવાન કલ્યાણક દિને દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ધરાવાના હોવાથી દર વર્ષની જેમ આ વખતે પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. નિર્મલ ધ્યાન કેન્દ્ર ખાતે લાડુ ધરી દિગંબર જૈન સમાજના લોકો ગીરનાર પર દર્શન કરવા ગયા હતા. પોલીસે ચાર સ્થળોએ ચેકપોસ્ટ રાખી પ્રતિબંધીત ચીજવસ્તુઓ કાઢી લીધી હતી. આજે પણ કડક પોલીસે બંદોબસ્ત યથાવત રખાયો છે.
ગિરનારની 5મી ટુંક (શીબુર) ખાતે નેમિનાથ ભગવાનના મોક્ષ કલ્યાણક દિવસે નિર્વાણ લાડુ ધરવામાં આવતા હતા જેનો સાધુ સંતોએ વિરોધ કરી રહ્યા છે. ભૂતકાળમાં આ મામલે ઘર્ષણ થયા હતા. હિંન્દુ સાધુ સંતો અને ગિરનાર પર દત્તી ભગવાનની ચરણ પાદુકાન હોવાનું માને છે. તો દિગંબર જૈન સમાજ આ સ્થળે નેમિનાથ ભગવાનના પગલા હોવાનું માને છે.
આ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેથી દર વર્ષની જેમ ગઈકાલે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જૈન સમાજને દત્તી શિખર પર નિર્વાણ લાડુ ધરવા પર પ્રતિબંધ મુકયો હતો. જેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે દિગંબર જૈન સમાજના લોકોએ તળેટીમાં આવેલા નિર્મલ ધ્યાન કેન્દ્ર ખાતે નિર્વાણ લાડુ ધર્યા હતા બાદ અંદાજીત હજાર જેટલા લોકોએ ગિરનાર પર જઈ દર્શન કર્યા હતા. જેમાં ગિરનારના 500 પગથીયા, અંબાજી શિખર, કમંડળ કુંડ ખાતે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલ જયાં ભાવિકો પાસેની પુજા સામગ્રી કાઢી લેવામાં આવી હતી.
અમુક ભાવિકોએ અંબાજી શિખર નજીક આવેલ પાદુકાની પૂજા કરી હતી. ડીવાયએસપી હીતેષ ધાંધલ્યાના જણાવ્યા મુજબ શાંતીપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો આજે પણ પોલીસ બંદોબસ્ત યથાવત રખાયો છે.