Washington,તા.15
યુક્રેન-રશિયા વચ્ચેના સાડા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હજું કોઈ નિર્ણાયક સ્થિતિ બની નથી પણ રશિયા પાસેથી ક્રુડતેલ-તેલ ખરીદનાર દેશો યુદ્ધમાં ટકી રહેવા માટે રશિયાને કમાણી કરાવી રહ્યા છે તેવા કારણે ભારત-ચીન સહિતના દેશો પર 500% ટેરિફ લગાવવામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીમાં હવે રાહતના સમાચાર છે.
પ્રમુખ ટ્રમ્પે હવે અમેરિકી સંસદ સમક્ષ રજુ કરેલા ખરડામાં જે 500% ટેરિફનો પ્રસ્તાવ હતો તે હવે 100% કર્યો છે અને તેમાં પણ રાહત મળે તેવા સંકેત છે. ભારત-ચીન જેવા દેશો રશિયન ક્રુડતેલના મોટા આયાતકાર દેશ છે અને અમેરિકી સંસદમાં રજુ કરવા માટેના પ્રતિબંધાત્મક ખરડામાં 500% ટેરિફની જોગવાઈ હતી.
હાલમાં જ દિવંગત થયેલા અમેરિકી સાંસદ લીંડસે ગ્રેહામ જે ટ્રમ્પના કટ્ટર ટેકેદાર પણ ભારત-ચીન વિરોધી વલણ માટે જાણીતા હતા. તેઓએ ડેમોક્રેટીક સાંસદ રીચર્ડ બ્લુમેથલની મદદથી આ ખરડો તૈયાર કર્યો હતો અને તેનો હેતુ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાનું ભારત-ચીન બંધ કરે તે માટે દબાણ લાવવાનો હતો. ભારત સહિતના દેશો રશિયન ક્રુડતેલના મોટા આયાતકાર છે.
તો ફ્રાન્સ, જાપાન, હંગેરી, બેલ્જીયમ સહિતના દેશો રશિયા પાસેથી કુદરતી ગેસ વધુ ખરીદે છે અને હવે તે અંગેના ટેરિફ 500% માંથી ઘટાડી 100% કરાયા છે. જો કે આ નવા પ્રસ્તાવિત ખરડામાં એ પણ છુટ અપાઈ છે કે કોઈ ગેસ તેની આવશ્યકતાના 15%થી ઓછા કુદરતી ગેસની આયાત કરે તો તેને મુક્તિ મળશે.
આમ અમેરિકાએ જાપાન, ફ્રાન્સ, હંગેરી વિ. દેશોને મોટી રાહત આપી છે. હવે અમેરિકી સંસદ તેને મંજુરી આપે છે કે કેમ તેના પર નજર છે. એક તરફ અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતીની વાટાઘાટો ખેચાતી રહે છે અને કોઈ આખરી સમજુતીના હાલ સંકેત નથી.
તે વચ્ચે ટ્રમ્પે આ નિર્ણય લીધો તે સૂચક છે. જો કે ભારત અગાઉ જ આ પ્રકારના પ્રતિબંધની ઐસી તૈસી કરી ચુકયુ છે અને હોર્મુઝ બંધ થવાથી હવે ફરી રશિયન ક્રુડતેલ પર વધુ આધારિત થઈ જશે.

