New Delhi, તા.15
ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વ્યાપાર સમજુતી લાગુ થવાની સાથે બન્ને દેશોના વ્યાપારિક સંબંધોમાં નવો તબકકો શરૂ થયો છે. આ વ્યવસ્થા અંતર્ગત મોટા ભાગની ભારતીય નિકાસને બ્રિટીશ બજારમાં ચાર્જ-મુક્ત પહોંચ મળશે. જ્યારે બ્રિટનથી આવતા અનેક ઉત્પાદનો પર આયાત ચાર્જ તબકકાવાર રીતે ઘટશે. આથી ઉદ્યોગ, કૃષિ, સેવાક્ષેત્ર, એમએસએમઇ અને વ્યાવસાયિકોને નવી તક મળવાની આશા છે.
ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક તેમજ વ્યાપાર સમજુતી (સીઇટીએ) આજથી લાગુ થઇ ગઇ છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મુક્ત વ્યાપાર સમજુતીમાંનો એક માનવામાં આવે છે.
સરકારનો દાવો છે કે, આથી ખેડૂતો, શ્રમિકો, એમએસએમઇ, નિકાસકારો અને સેવા ક્ષેત્રને જબરદસ્ત લાભ મળશે. વડાપ્રધાન મોદી સરકારના કાર્યકાળમાં લાગુ થનાર આ છઠ્ઠી મુક્ત વ્યાપાર સમજુતી છે. આ પહેલા ભારત, મોરેશિયસ, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ઇએફટીએ (યુરોપીય યુક્ત વ્યાપાર સંઘ) અને ઓમાન સાથે આવી સમજુતી લાગુ કરી ચૂક્યું છે.
ભારત-યુકે સીઇટીએ માત્ર ટેરિફ ઘટાડનાર સમજુતી નથી, બલકે વ્યાપાર, રોકાણ, સેવાઓ અને રોજગારની નવી તકોનું માળખુ છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના અનુસાર આ ભારતના વ્યાપારિક ઇતિહાસના એક મહત્વનો પડાવ છે.
આથી ટેરિફ અને બિન ટેરિફ વિઘ્નો ઓછા થશે.ભારતીય ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધા વધશે અને ખેડૂતો, ઉદ્યોગો, મહિલા, ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ અને યુવા વ્યાવસાયિકોને નવી તકો મળશે.
શું છે સીઇટીએ ?
સીઇટીએ અંતર્ગત ભારત અને બ્રિટન સેંકડો ઉત્પાદો પર ચાર્જ ઓછો કરશે કે સમાપ્ત કરશે. આ ઉપરાંત ડિજિટલ વ્યાપાર, સરકારી ખરીદી, એમએસએમઇ, રોકાણ, બૌદ્ધિક સંપત્તિ, શ્રમ, પર્યાવરણ અને સેવાક્ષેત્રો સાથે જોડાયેલા નિયમોને પણ સરળ બનાવાયા છે. સમજુતીમાં કુલ 30 અધ્યાય સામેલ છે જેથી તેને ભારતનું સૌથી વ્યાપક એફટીએ માનવામાં આવી રહ્યું છે.
સકોચ વ્હીસ્કીના ભાવ ઘટશે
સ્કોચ વ્હીસ્કી સહિત અનેક પ્રીમીયમ વિદેશી શરાબો પર પણ આયાત ચાર્જમાં ઘટાડો થશે. સ્કોચ વ્હીસ્કી પર હાલ 150 ટકા ચાર્જ પહેલા તબકકામાં 75 ટકા અને 10 વર્ષમાં ઘટીને 40 ટકા રહી જશે.
સંવેદનશીલ ઉત્પાદન સમજુતીથી બહાર
ભારતે સફરજન, અખરોટ કેટલાક બીજ, સોનાની ઇંટ અને સ્માર્ટ ફોન જેવા સંવેદનશીલ ઉત્પાદનો પર કોઇ રાહત નથી આપી, જ્યારે બ્રિટને પણ ચોખા, ખાંડ, કેટલાક માંસ ઉત્પાદનોને સમજુતીના ક્ષેત્રની બહાર રાખ્યા છે.
આઇટી કંપનીઓને મોટી રાહત
સમજુતી સાથે લાગુ થયેલ ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન અંતર્ગત ભારતથી બ્રિટન જનારા કર્મચારીઓ અને તેમને નિયુક્તિ આપનારાઓને પાંચ વર્ષ સુધી બ્રિટનમાં સોશિયલ સિક્યોરિટી યોગદાન નહીં આપવું પડે.
ક્યાં ઉદ્યોગોને ફાયદો?
રેડીમેડ ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ, ફૂટવેર, કાર્પેટ ઉદ્યોગ, પ્રોસેસ્ડ ફૂડ, અનાજ, ફળ અને શાકભાજી, મસાલા, માછલી અને સી-ફૂડ ઉત્પાદન, માંસ અને પ્રોસેસ્ડ ફૂડ, ઓટોમોબાઇલ તેમજ ઓટો પાર્ટસ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, સિરામીક, ગ્લાસ, સીમેન્ટ તેમજ સ્ટોન ઉત્પાદનને ફાયદો થશે.
શું થઇ શકે છે સસ્તુ
► સેલ્મન માછલી
► લેમ્બ (ઘેટાનું માંસ)
► મશીનરી
► ઇલેક્ટ્રોનિક ઉત્પાદન
► ચોકલેટ
► સોફટ ડ્રીંક્સ
► કોસ્મેટિક્સ
► સાબુ
► પરફ્યુમ
► શેવિંગ ક્રીમ
► નેલ પોલીશ
સમજુતીથી ભારતને થશે આ લાભ
આ સમજુતીથી ભારતની લગભગ 99 ટકા નિકાસને બ્રિટીશ બજારમાં ટેક્સ-ફ્રી પહોંચ મળશે. આ ઉપરાંત બ્રિટીશથી આવતા અનેક ઉત્પાદનો પર આયાત ચાર્જ ઘટાડવામાં આવશે.
આથી કિંમતોમાં ઘટાડો થશે. પહેલીવાર બ્રિટનની કંપનીઓને ભારત સરકારની લગભગ 40 હજાર ઉચ્ચ મૂલ્યવાળા ટેન્ડરમાં ભાગ લેવાની તક મળશે. પરિવહન, ગ્રીન ઉર્જા અને પાયાગત માળખાના ક્ષેત્રોમાં કામકાજની ગુણવત્તામાં સુધારો થશે.

