New Delhi,તા.13
ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાકના યુદ્ધ બાદ થયેલા શસ્ત્રવિરામમાં હવે બન્ને દેશોએ શાંતિને નવા સ્તર સુધી લઈ જવાનો નિર્ણય લીધો છે. બન્ને દેશોના સૈન્યના ડિરેકટર જનરલ ઓફ મીલીટ્રી ઓપરેશન વચ્ચે ગઈકાલે સાંજે યોજાયેલી હોટલાઈન વાતચીતમાં પાકદળોએ જે રીતે યુદ્ધ વિરામની પ્રથમ રાત્રીના જ પાકિસ્તાને ત્રણ કલાક સુધી ભારત પર ડ્રોન સહિતના હવાઈ હુમલા કર્યા અને સરહદો પર તોપગોળા વરસાવ્યા બાદ ભારતીય દળો હવે વધુ સજોગ છે.
ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશન લેફ. કર્નલ રાજીવ ધઈ અને પાકના ડીજીએમઓ મેજર જનરલ બશીફ અબ્દુલ્લા વચ્ચેની વાતચીતમાં સરહદો પર તનાવ ઘટાડવા અને હવે એક પણ બુલેટ-ફાયર થવી જોઈએ નહી તેના પર સહમતી બની હતી અને બન્ને દેશો સરહદ પર દળો ઘટાડવા પણ સંમત થયા હોવાનું માનવામાં આવે છે.
ભારત-પાક વચ્ચેના પહેલગામ હુમલા બાદના તનાવ વચ્ચે પાક તેના અંકુશ હેઠળના ક્ષેત્રના ચીનાબ-રાંચી નદી વચ્ચેના શાકોરગઢ બ્રીજ આસપાસ ભારે જમાવડો કર્યો હતો પણ હવે તે દળોને પાછા મોકલવા માટે સંમતી બની રહી છે. બન્ને દેશોએ સરહદો અને મોખરાની આડીઓ પરથી દળો ઘટાડવાની સહમતી બતાવી છે. જો કે તે માટે એક શેડયુલ નિશ્ર્ચિત કરવામાં આવશે.
ગઈકાલે જ ભારતીય સૈન્યની ત્રણેય પાંખના ડીજીએમઓએ યુદ્ધ વિરામ છતાં દળો એલર્ટ જ રહેશે તે નિશ્ર્ચિત કર્યુ હતુ અને ભારત તે જોશે. આ બેઠક બાદ ભારતના ડીજીએમઓએ એક ટુંકી પ્રેસ યાદીમાં સરહદી તનાવ ઘટાડવા સંમત થયા હોવાના અહેવાલ આપ્યા હતા. બન્ને દેશો ડીજીએમઓ વચ્ચે આ ત્રીજી બેઠક હતી.
ગઈકાલે બપોરે 12 વાગ્યે થનારી હોટલાઈન ચર્ચા સાંજ પર મુલત્વી રહી હતી અને હવે ભવિષ્યમાં તાકીદના સમયે જ બન્ને દેશોના ડીજીએમઓ સંપર્ક કરશે તેવા સંકેત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રને સંબોધનમાંજ પાકને સીધો ચેતવણીભર્યો સંદેશ આપી દીધો હતો.