New Delhi, તા. 25
દેશમાં લગ્નનું વચન આપીને બંધાતા શારીરિક સંબંધો મુદ્દે સર્વોચ્ચ અદાલતે વધુ એક દુષ્કર્મ સંબંધી એફઆઇઆર રદ્દ કરતા કહ્યું હતું કે સહમતીથી કોઇ સંબંધ બંધાયો હોય પરંતુ તેમાં લગ્ન ન થઇ શકે તો તે દુષ્કર્મ ગણાય નહીં કાનુનની આ પ્રક્રિયાનો ગેરઉપયોગ થવો ન જોઇએ. મહારાષ્ટ્રના કેસમાં જસ્ટીસ બી.વી.નાગરત્ના અને જસ્ટીસ બી.આર.મહાદેવનની ખંડપીઠે મુંબઇ હાઇકોર્ટના એક ચુકાદાને રદ કર્યો હતો.
જેમાં મહિલા અને તેના પુરૂષ મિત્ર વચ્ચે ત્રણ વર્ષથી સંબંધ હતા જયારે લગ્નની વાત આવી તો પુરૂષ મિત્રએ ઈન્કાર કરી દીધો હતો. આ સમય દરમ્યાન મહિલા ગર્ભવતી પણ થઇ હતી અને તેને ગર્ભપાત કરાવાયો હતો.
બાદમાં લગ્ન શકય નહીં થવાથી મહિલાએ બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નાએ પોતાના ચુકાદામાં લખ્યું કે કોઇ પણ સંબંધમાં જો બાદમાં તેમાં કોઇ ખટાશ કે વિઘ્ન આવે તો તેમાં રેપ કહેવું એ ખોટુ છે. મહિલાએ પોતાના વકીલ મિત્ર સાથે ત્રણ વર્ષ સુધી સંબંધો રાખ્યા અને તે પણ પરસ્પર સંમતિથી બન્યા હતા. એવું શકય નથી કે ફકત શારીરિક સંબંધો માટે ત્રણ વર્ષ સુધી તેને સંમત કર્યુ હોય હાઇકોર્ટે તે મુદાની નોંધ લીધી નથી. સર્વોચ્ચ અદાલતે એ પણ કહ્યું અનેક કિસ્સામાં મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે .
તેમાં જરૂરી પુરાવા હોવા જોઇએ આ પ્રકારના કેસ સ્વીકાર્ય બને નહીં. સર્વોચ્ચ અદાલતે ઉમેર્યુ કે દરેક તુટતા સંબંધોને અપરાધ બનાવી શકાય નહીં તેનાથી પીડિતાને વધુ નુકસાન થઇ શકે છે.

