આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ)-૫ રિપોર્ટ મૂજબ ગુજરાતમાં ૧૫ વર્ષથી ઉપરના ૧૬ ટકા પુરુષો અને ૧૪.૮ ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું અથવા ખૂબજ ઊંચું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે પુરુષો અને મહિલાઓ બંન્નેમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે એન્ડોક્રિનોલોજીસ્ટ ડો. રમેશ ગોયલે જણાવ્યું હતું કે, ચિંતાજનક બાબત એ છે કે ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લગભગ ૭૦ ટકા લોકોને અનિયંત્રિત બ્લડ શુગર હોય છે, જેનું મુખ્ય કારણ વિશેષ કરીને હ્રદય સંબંધિત બિમારીઓ સહિતના નોન-કમ્યુનિકેબલ બિમારીઓનું વધતુ ભારણ છે. ડો. ગોયલે જણાવ્યું હતું કે, દેશમાં ડાયાબિટીસ ધરાવતા લગભગ ૭૦ ટકા લોકોમાં બ્લડ શુગરનું સ્તર યોગ્ય રીતે નિયંત્રિત થતું નથી, જેના કારણે હ્રદય રોગ, સ્ટ્રોક, કિડનીની બિમારી, આંખોની સમસ્યા અને ચેતાતંત્રને નુકશાન થવા જેવી લાંબાગાળાની સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
જ્યારે યુવાનોમાં ડાયાબિટીસની સમસ્યા સર્જાય ત્યારે તે તેમના પરિવાર અને સમાજ બંન્ને માટે ગંભીર ચિંતાનો વિષય બની જાય છે. તેના કારણે યુવાનો તેમની કારકિર્દી અને આકાંક્ષાઓ ઉપર ધ્યાન આપી શકતા નથી. આરોગ્ય સંબંધિત સમસ્યાઓને કારણે તેમના જીવનની ગુણવત્તા અને માનસિક સુખાકારી પ્રભાવિત થાય છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં બે દાયકામાં ડાયાબિટીસના શરૂઆતી લક્ષણોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તથા નિદાનની સરેરાશ ઉંમર ૪૦થી ઘટીને ૩૦ વર્ષ થઇ છે. બેઠાડું જીવનશૈલી, પ્રોફેશનલ સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, વારંવાર ફાસ્ટફુડનું સેવન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ તેના માટે કારણભૂત છે. કામના ભારણ, અનિયમિત દિનચર્યા અને આહારની ખોટી આદતો ડાયાબિટીસનું જોખમ વધારે છે. પાંચ વર્ષ માટે પણ અનિયંત્રિત ડાયાબિટીસ હ્રદય રોગ, સ્ટ્રોક અને કિડની સંબંધિત સમસ્યાઓના જોખમમાં વધારો કરે છે.
ડો. ગોયલે ભાર મૂક્યો હતો કે સમયસર નિદાન અને જીવનશૈલીમાં સામાન્ય બદલાવથી ડાયાબિટીસને રોકી શકાય છે અથવા તેને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે. નિયમિત કસરત, સંતુલિત પોષણ, ૭-૮ કલાકની પૂરતી ઊંઘ, વજનની યોગ્ય જાળવણી અને હેલ્થ ચેક-અપ બ્લડ શુગરને મેનેજ કરવામાં અને લાંબાગાળાની સમસ્યાઓને રોકવામાં ઉપયોગી બની રહે છે. ડો. ગોયલના કહેવા મૂજબ ડાયાબિટીસ સામેની લડાઇ જાગૃકતા અને શિસ્તથી શરૂ થાય છે. જીવનશૈલીમાં નાના, પરંતુ સતત બદલાવથી લોકો ડાયાબિટીસની સમસ્યાને રોકી શકે છે તેમજ તંદુરસ્ત અને વધુ કાર્યક્ષમ જીવન વિતાવી શકે છે. ડાયાબિટીસનું મેનેજમેન્ટ દવાઓ સુધી સીમિત નથી, પરંતુ અર્થસભર જીવન અને સ્વાસ્થ્યની જવાબદારી લેવા વિશે પણ છે.
દેશભરમાં ૧૪ નવેમ્બરને “વિશ્વ ડાયાબિટીસ દિવસ” ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોનાં તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં રોગોની અટકાયત, નિયંત્રણ, વહેલાં નિદાન અને સારવારનાં વ્યવસ્થાપન અંગે નાગરીકોમાં જનજાગૃતી લાવવા આ દિવસે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

