Riyadh, તા.૩૦
સાઉદી અરેબિયામાં હવે વિદેશી નાગરિક પણ પ્રોપર્ટી ખરીદી શકશે. સાઉદી અરેબિયાના સ્થાનિક ન્યુઝપેપર ઉમ્મ-અલ-કુરા ગેજેટમાં ૨૫ જુલાઈના રોજ આ કાયદો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે પ્રકાશન તારીખના ૧૮૦ દિવસમાં અમલી બનશે.
સાઉદી કેબિનેટે આ મહિને આ કાયદાને મંજૂરી આપતાં વિદેશી નાગરિકો માટે પોતાનું રિયલ એસ્ટેટ માર્કેટ ખુલ્લું મૂક્યું હતું. તેણે વિદેશી નાગરિકો, કંપનીઓ, એનજીઓ અને રોકાણ કરતી સંસ્થાઓને સાઉદીમાં પ્રોપર્ટી ખરીદવાના હક આપ્યા છે. આ અધિકારમાં ઓનરશિપ, પ્રોપર્ટી લીઝ પર લેવી, પ્રોપર્ટીનો ઉપયોગ કરવા સંબંધિત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અધિકારો સામેલ છે. જો કે, આ કાયદામાં સ્થળ, પ્રોપર્ટીનો પ્રકાર અને વપરાશના આધારે અમુક પ્રતિબંધો પણ લાદ્યા છે.
સાઉદી અરેબિયામાં કાયદેસર રહેતા વિદેશી નાગરિકો પોતાના અંગત વપરાશ માટે પ્રતિબંધિત વિસ્તારોની બહાર સિંગલ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી શકશે. આ કાયદો વિદેશી સ્ટેકહોલ્ડર્સ ધરાવતી નોન-લિસ્ટેડ કંપનીઓ, લાયસન્સ ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, અને સ્પેશિયલ પર્પઝ વ્હિકલ્સ કાર્યકારી અને કર્મચારીઓના વસવાટ માટે મક્કા અને મદીનામાં શરતો હેઠળ પ્રોપર્ટી ખરીદી શકે છે.
મક્કા અને મદીનામાં પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી તો આપવામાં આવી છે, પરંતુ સાથે સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. આ બંને શહેરોમાં માત્ર મુસ્લિમ વ્યક્તિઓને જ આકરી શરતો હેઠળ સંપત્તિ ખરીદવાની મંજૂરી મળશે.
રાજકીય મિશનો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી મળશે. જો કે, તેના માટે તેમણે વિદેશ મંત્રાલયની મંજૂરી લેવી પડશે અને મૂળ દેશમાં પણ સહમતિ મેળવવી પડશે. પહેલી વાર મક્કા-મદીનામાં ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોના નાગરિકોને પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
સાઉદી મંત્રી પરિષદ, રિયલ એસ્ટેટ જનરલ ઑથોરિટી, અને આર્થિક-વિકાસ બાબતોના કાઉન્સિલ નોન-સાઉદી અર્થાત્ વિદેશી નાગરિકો માટે પ્રોપર્ટીની માલિકીના નિયમો નક્કી કરશે. જેમાં પ્રોપર્ટી ખરીદવાની મહત્તમ સમય મર્યાદા, વપરાશનો સમયગાળો, રજિસ્ટ્રેશન-ટેક્સ અને કાયદાકીય કાર્યવાહી સહિતની બાબતો નિર્ધારિત કરવામાં આવશે. વિદેશી નાગરિકોએ પ્રોપર્ટી ખરીદવા માટે ઓથોરિટી સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. વિદેશી નાગરિકોએ ૫ ટકા સુધી પ્રોપર્ટી ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે.
જો પ્રોપર્ટી ખરીદવાના નવા કાયદાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તો ૧ કરોડ સાઉદી રિયાલ સુધીનો દંડ ચૂકવવો પડશે. ખોટી અને અપૂરતી માહિતી આપવા બદલ સરકાર સંપત્તિ જપ્ત કરી શકે છે. તેમજ તેનું વેચાણ કરી રકમ સરકારી તિજોરીમાં ટ્રાન્સફર કરશે. નિયમોના પાલન માટે એક સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ કમિટીની રચના કરવામાં આી છે. નિર્ણયો વિરુદ્ધ ૬૦ દિવસની અંદર કોર્ટમાં અપીલ કરવાની પણ તક મળશે.