Jamkandorana,તા.૨૭
રાજકોટના જામકંડોરણાની લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. જો કે, વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, જામજોધપુર તાલુકાના મોટી પાનેલી ગામની રહેવાસી રાજેશભાઈ મકવાણાની પુત્રી સલોની મકવાણા જામકંડોરણામાં આવેલી લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રહીને કાલાવડ રોડ પર આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. ગત કાલે ૨૪મી માર્ચ, ૨૦૨૫ના રોજ, સલોની હોસ્ટેલના પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીનીઓએ આ ઘટના જોતા જ તાત્કાલિક હોસ્ટેલના સંચાલકોને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જામકંડોરણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સલોનીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહી છે અને સલોનીએ આપઘાત શા માટે કર્યો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, જેના કારણે આપઘાતના કારણોનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસ સલોનીના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ મેળવી રહી છે અને તેના મિત્રો તેમજ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.જામકંડોરણાના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે, “સલોનીએ કોઈ સ્યુસાઈડ નોટ લખી નથી. અમે તેનો ફોન એફએસએલમાં મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેને હોસ્ટેલમાં કોઈ પ્રકારનું ટોર્ચરિંગ થતું હોય અથવા તેના પરિવારમાં કોઈ સમસ્યા હોય તેવું જાણવા મળ્યું નથી. વધુ તપાસ બાદ જ સાચી માહિતી સામે આવશે.” તેમણે વધુમાં જણાવ્યું કે સલોનીએ છેલ્લો ફોન તેની માતાને કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
છાત્રાલયમાં કામ કરતા જીતુભાઈએ જણાવ્યું હતું કે, સલોની સ્વભાવે ખૂબ જ સરળ અને હોંશિયાર હતી. તેને માહિતી આપતા જણાવ્યું કે સલોનીના માતાના તેના પિતા રાજેશભાઈ સાથે બીજા લગ્ન થયા હોવાથી સલોની તેના નાનાના ઘરે રહીને મોટી થઈ હતી. તેના પિતા લાલપુરના ખડબા ગામે રહે છે. જીતુભાઈએ જણાવ્યું કે રૂમમાં સલોની સાથે રહેતી અન્ય બે વિદ્યાર્થીનીઓએ તેમને જાણ કરતાં તેમણે તાત્કાલિક સલોનીના વાલીઓને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવ્યા બાદ સલોનીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
આ ઘટનાથી જામકંડોરણાના લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આપઘાતના કારણો જાણવા મળે તેવી શક્યતા છે. સલોનીબેનના અચાનક વિદાયથી તેના પરિવાર અને મિત્રોમાં ગમગીની છવાઈ ગઈ છે.