વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ.
દર વર્ષે 4 ઑક્ટોબરનાં દિવસે વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પશુઓનાં અધિકારો અને તેના કલ્યાણ સંબંધિત જુદા-જુદા કારણોની સમીક્ષા કરવામાં આવે છે. પ્રાણીઓનાં મહાન આશ્રયદાતા આસીસી(ઇટલી)નાં સંત ફ્રાન્સિસનો જન્મદિવસ પણ 4 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. તેઓ પ્રાણીઓનાં મહાન સંરક્ષક હતા. આંતરરાષ્ટ્રીય પશુ કલ્યાણ દિવસનો મુખ્ય હેતુ જનતાને ચર્ચામાં સામેલ કરવી અને પશુઓ પ્રત્યે ક્રૂરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો છે.
પ્રથમવાર વિશ્વ પશુ દિવસનું આયોજન હેનરિક જિમરમને 24 માર્ચ, 1925ના રોજ જર્મનીનાં બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું, પરંતુ વર્ષ 1929થી આ દિવસ 4 ઑક્ટોબરનાં રોજ મનાવવામાં આવ્યો. શરૂઆતમાં આ આંદોલનને જર્મનીમાં શરૂ કરવામાં આવ્યું અને ધીમે-ધીમે તે સમગ્ર વિશ્વમાં ફેલાવવા લાગ્યું. વર્ષ 1931માં ફ્લોરેન્સ, ઇટલીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ સંમેલને આંતરરાષ્ટ્રીય પશુ દિવસ તરીકે 4 ઑક્ટોબરનો દિવસ નક્કી કરવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો અને મંજૂર કર્યો. યૂનાઇટેડ નેશન્સે ‘પશુ કલ્યાણ પર એક સાર્વભૌમ ઘોષણા‘ના નિયમ તેમજ નિર્દેશો હેઠળ અનેક અભિયાન ચલાવવાની શરૂઆત કરી. નૈતિકતાની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્રે સાર્વજનિક રીતે કરેલી ઘોષણામાં પશુઓના દર્દ અને પીડાના સંદર્ભમાં તેમને સંવેદનશીલ પ્રાણી તરીકે ઓળખ અપાવવાની વાત કરી.
આજે માનવીએ ગધેડા જેવા ભોળા પ્રાણીથી માંડી હાથી જેવા કદાવર પ્રાણીને પકડીને ગુલામ બનાવી દીધાં છે. મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. તેઓ સ્વેચ્છાએ, સ્વતંત્ર રીતે હરી ફરી શકે તેવું વાતાવરણ આપણે તેમને આપવું જ જોઈએ, તે આપણાં પર્યાવરણ સંવર્ધક છે. ઘણા બધા પ્રાણીઓ પાસેથી આપણને વિવિધ ગુણો શિખવા મળે છે. જેમકે કૂતરો પ્રેમ અને વફાદારી શીખવે છે, નાનકડી કીડી પાસેથી એકતા, પક્ષીઓ પાસેથી સતર્કતા શીખવા મળે છે. બધા જ પ્રાણીઓ આપણી પૃથ્વીના જ છે તેમનું જતન કરવું આપણી પ્રથમ ફરજ છે.આ વિશ્વ પ્રાણી દિવસે તમામ પ્રાણીઓને શ્રેષ્ઠ પર્યાવરણ સાથે રક્ષિત વાતાવરણ પુરૂ પાડીએ, આમ કરવાથી આપણું પર્યાવરણ જ આપણે શ્રેષ્ઠ બનાવીશું.
પશુ-પંખી અને પ્રાણીઓનાં કલ્યાણ માટે કેટલાંક ઉપાયો કરી શકાય :
Ø જંગલો ન કાપવા જોઇએ. વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઇએ.
Ø શાકાહાર અપનાવવું જોઈએ.
Ø પશુ-પંખીઓને મુક્ત રીતે હરવા ફરવા દેવા જોઈએ.
Ø પશુ-પંખીઓને પુરતો આહાર, જળ, સારવાર, નિવાસ ઈત્યાદી પૂરો પાડવો જોઈએ.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)