Rajkot,તા.11
ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટર વારંવાર બગડી જતું હોવાથી તેમજ તેની સર્વિસ પણ સમયસર નહીં થતી હોવાના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં ફરતા રહેતા હોય છે અને ખૂબ જ વાયરલ થાય છે ત્યારે આવા જ એક કિસ્સામાં ગ્રાહક સુરક્ષા ની અદાલતે રાજકોટમાં ઓલા ઈલેક્ટ્રીક ને ગ્રાહકને આપેલા સ્કૂટરની બેટરી બદલી આપવા અને કાનૂની ખર્ચ પેટે રૂ.5,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગતો મુજબ રાજકોટના રહીશ મનોજભાઈ જીવરામભાઈ પરમાર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, કટારીયા ચોક પાછળ મોટા મવા, રાજકોટ) દ્વારા વર્ષ 2023 માં 1.39 લાખના ખર્ચે ઇલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી કરવામાં આવી હતી. આ સ્કૂટર તેઓએ મવડી પુનિતનગર ખાતે આવેલા ઓલાના ડીલરશીપ પાસેથી ખરીદી હતી. પરંતુ ખરીદી કર્યાના બે માસના સમયમાં જ તેમાં સમસ્યાઓ આવવાની શરૂ થઈ ગઈ હતી.
ફરિયાદ મુજબ સ્કૂટર ખરીદીના બે માસમાં જ ડિસ્પ્લે અને બ્રેકમાં અવાજ આવતો હતો એટલું જ નહીં વારંવાર વાહન હેંગ થઈ જતું હતું. બેટરી પણ અવારનવાર ઉતરી જતી હતી. સ્કૂટર ચાલુ કરવામાં તકલીફ થતી હતી. આ બાબતે ડીલરશીપ ને રજૂઆત કર્યા છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા. આથી પરમાર દ્વારા રાજકોટની ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કરવામાં આવ્યો હતો.
જેમાં અદાલત સામેવાળાને નોટિસ કાઢી હતી અને તેઓ જવાબ રજૂ કર્યો હતો પરંતુ પુરાવાના અભાવે કોર્ટે આ જવાબ સ્વીકાર્યો નહતો. બંને પક્ષકારો સાંભળ્યા બાદ અદાલતે ઓલા ઈલેક્ટ્રીક ને સેવાઓમાં ખામી માટે જવાબદાર ઠેરવીને ગ્રાહકને કોઈપણ જાતનો ખર્ચ લીધા વગર બેટરી બદલી આપવા અને રૂપિયા 5000 લીગલ ખર્ચ તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો.
Tvs jupiter રીપેરીંગ કરી આપવા ગ્રાહક કોર્ટનો આદેશ
બીજી બાજુ રાજકોટ એક અન્ય રહીશ દ્વારા ગ્રાહક કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદના આધારે ઓટો ડીલરને ટીવીએસ જ્યુપિટર સ્કૂટર ની ખામી દૂર કરવા માટે આદેશ આપ્યો હતો. કેસની વિગતો મુજબ ગાંધીગ્રામ ના જીવંતિકા નગર ખાતે રહેતા કનૈયા હીરાભાઈ છૈયા દ્વારા એક Tvs jupiter વાહન ગત ફેબ્રુઆરી મહિનામાં ખરીદવામાં આવ્યું હતું.
પરંતુ ખરીદી અને ટૂંકા સમયમાં આ સ્કૂટર અવારનવાર બંધ પડી જતું હતુ. પહેલી સર્વિસ કરાવ્યા બાદ પણ તેમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને અંતે ડીલર દ્વારા વોરંટી પીરીયડ હોવા છતાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા થઈ ગયા દ્વારા ગ્રાહક કોર્ટમાં કેસ કરવામાં આવતો ગ્રાહક અદાલતે કનૈયાલાલ છૈયા ની તરફેણમાં ચુકાદો આપીને આ ડીલરને વાહન યોગ્ય રીતે રીપેર કરી આપવા આદેશ કર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે ખામી દૂર કરીને ગ્રાહકને ચાલુ હાલતમાં વાહન આપવાનું રહેશે.