New Delhi,તા.18
શાકભાજીથી માંડીને અનાજ-કઠોળ સહિતની ચીજોના ઉંચા ભાવના ઉહાપોહ વચ્ચે હવે રાહત થવા લાગી હોય તેમ છેલ્લા એક મહિનામાં બટેટા, ટમેટા તથા ડુંગળીની કિંમતમાં સરેરાશ 31 ટકાનો ઘટાડો થયો છે. આ સંજોગોમાં ફુગાવો નીચો આવવા સાથે રિઝર્વ બેંક આવતા મહિનામાં વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે.
કેન્દ્રના નાગરિક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે બટેટાની કિંમત એક મહિનામાં કિલોના રૂા.37થી ઘટીને 30 થઈ ગઈ છે. ડુંગળીનો ભાવ રૂા.51થી30 ટકા ઘટીને રૂા.39 થયો છે. જયારે ટમેટાનો ભાવ 45 રૂપિયાથી 31 ટકા ઘટીને કિલોના રૂા.31ના સ્તરે આવી ગયો છે.
શાકભાજી સિવાયની અન્ય ખાદ્યચીજોના ભાવોમાં પણ ઘટાડો છે. ચોખાનો ભાવ રૂા.43.35 થી ઘટીને 42.78 થયો છે. ચણાદાળનો રીટેઈલ ભાવ રૂા.94.16થી ઘટીને રૂા.92.63 થયો છે. તુવેરદાળનો ભાવ રૂા.158.60 થી ઘટીને 152.64, અડદદાળનો ભાવ રૂા.124.07થી ઘટીને 123.28 તથા મગદાળનો ભાવ રૂા.114.30 થી ઘટીને 113.18 નોંધાયો છે.
શિયાળામાં હવામાન લગભગ એક સમાન રહ્યુ હોવાના કારણોસર શાકભાજીને કોઈ નુકશાન થયુ નથી. સારૂ ઉત્પાદન આવતા ભાવો ઘટી ગયા છે. લીલા શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. કોબીજનો ભાવ 10 રૂપિયા કિલો થઈ ગયો છે. પાલકના રૂા.15 તથા વટાણાના 50 રૂપિયા થઈ ગયા છે. ગાજર, મુળા, મેથી સહિતના લીલા શાકભાજી 15થી25 રૂપિયાની રેન્જમાં આવી ગયા છે.
કેન્દ્રના ખાદ્ય મંત્રાલય દ્વારા એમ કહેવાયુ છે કે, આવશ્યક તથા ખાદ્યચીજોમાં અસામાન્ય ભાવવધારો ન થાય અને સપ્લાય સરળ રહે તે માટે સરકાર સતત દેખરેખ રાખે છે અને તેના આધારે આયાત-નિકાસમાં પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે.
શાકભાજી-કઠોળ સસ્તા થવા છતાં ખાદ્યતેલોના ભાવોમાં કોઈ રાહત મળી નથી. સરસવતેલનો ભાવ 168.78 તથા સોયાતેલ 143 પર સ્થિર હતું. સૂર્યમુખી તેલમાં રૂા.154 તથા પામતેલની કિંમતમાં રૂા.134માં કોઈ ફેરફાર થયો ન હતો.
સૂત્રોના કહેવા પ્રમાણે આવતા મહિને જાહેર થનારા મોંઘવારી-ફુગાવાના આંકડામાં રાહત મળી શકે છે. ડિસેમ્બરનો ફુગાવાનો દર 5.22 ટકા હતો. જો કે, રિઝર્વ બેંકના ચાર ટકાના ટારગેટથી ઉંચો જ છે. ફુગાવો નીચો આવે તો રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડી શકે છે.