New Delhi,તા.25
લોકસભામાં રજુ થયેલા અને હાલ સંસદની સંયુક્ત સમીતી સમક્ષ વિચારણામાં મુકાયેલા બંધારણની કલમ 130ના સંશોધન ખરડા પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વિપક્ષના વલણ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેઓએ એક મુલાકાતમાં વ્યાપકપણે આ સુધારા ખરડા અંગે ચર્ચા કરી હતી અને કહ્યું હતુ કે આજે પણ વિપક્ષ એ પ્રયત્ન કરી રહ્યો છે કે જો કોઈ જેલમા જાય તો તે જેલમાંથી પણ આસાનીથી સરકાર ચલાવી શકે.
જેલને સીએમ અને પીએમ હાઉસ બનાવી દેવાની મહેચ્છા રાખે છે અને ડીજીપી તથા મુખ્ય સચીવ તથા કેબીનેટ સચીવ પણ જેલમાંથી જ મળેલા આદેશનું પાલન કરે તેવુ વિપક્ષ ઈચ્છે છે. શ્રી શાહે કહ્યું કે અમારી સરકાર તે ચાલવા દેવા માંગતી નથી.
અરવિંદ કેજરીવાલે જે રીતે 156 દિવસ જેલમાં વિતાવીને પણ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ ન આપ્યુ પણ જો આ કાનૂન હોત તો તેઓએ 30 દિવસ બાદ રાજીનામુ આપવુ પડયુ હોત. તેઓએ એ આક્ષેપ પણ નકાર્યા હતા કે શાસક ભાજપ તરફથી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવા ગેરભાજપ મુખ્યમંત્રીઓને ફસાવવા તથા તેમને જેલમા નાંખીને રાજય સરકારને અસ્થિર કરવાનું કામ ભાજપ કરવા માંગે છે.
શ્રી શાહે કહ્યું કે, હું પુરા દેશ અને વિપક્ષને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાન કે પછી કોઈપણ નેતા જેલમાં બેસીને સરકાર ચલાવી શકે. તેમણે કહ્યું કે જે જેલમાં બેઠા હોય તેના વગર દેશમાં શાસન ચાલી શકે નહી તે વાત પર અમે સંમત નથી. કારણ કે સંસદ કે વિધાનસભામાં એક સદસ્ય જેલમાં જવાથી સરકાર પર કોઈ અસર પડશે નહી. પરંતુ તે વ્યક્તિ 30 દિવસની અંદર જેલની બહાર આવી જાય તો તે ફરી શપથ લઈ શકે છે તેમાં ખોટુ શું છે.
શ્રી શાહે કહ્યું કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીએમ પદને આ કાનૂન હેઠળ લાવવા માટે ખાસ આગ્રહ રાખ્યો હતો. અગાઉની ઈન્દીરા સરકાર 39માં બંધારણીય સુધારા મારફત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષને ભારતીય અદાલતોની ન્યાયીક સમીક્ષામાંથી બચાવવા માટે કાનૂન લઈને આવી હતી.
તેના માટે નરેન્દ્ર મોદીએ તેમના જ વિરુદ્ધ એક બંધારણીય સંશોધન લઈને આવ્યા છે. જો વડાપ્રધાન જેલમાં જશે તો તેને પણ રાજીનામુ આપવુ પડશે. શ્રી શાહે આ માટે લાલુપ્રસાદને બચાવવા કોંગ્રેસ દ્વારા જે વટહુકમ લાવવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ ફાડી નાંખ્યો હતો અને તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે જો તે દિવસે જ નૈતિકતા હતી તો આજે તે કયાં છે. ત્રણ ચૂંટણીઓ હાર્યા એટલે નૈતિકતા બદલાઈ ગઈ.શ્રી અમિત શાહે સંસદના ચોમાસુ સત્રમાં જે રીતે સતત ધાંધલ-ધમાલ થઈ અને પુરુ સત્ર યોગ્ય રીતે ચાલ્યુ નહી તે અંગે પણ એક અન્ય સંબોધનમાં ટીપ્પણી કરી હતી. અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે લોકતંત્રમાં ચર્ચા થવી જોઈએ. પરંતુ વિપક્ષ ફકત રાજકીય લાભ માટે સદન ચાલવા ન દે તે યોગ્ય નથી.
વિપક્ષે હંમેશા સંયમીત વલણ અપનાવવું જોઈએ. દેશ અને જનતાનો વિચાર કરવો જોઈએ અને અધ્યક્ષ પદની ગરીમા અને સન્માન વધે તે જોવું જોઈએ. તેઓએ આ તકે દેશના પ્રથમ લોકસભા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલને યાદ કર્યા હતા અને કહ્યું કે તે ભારતની વૈધાનિક પરંપરાઓના ભિષ્મ પિતામહ ગણાય છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક મુલાકાતમાં ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા પર પ્રથમ વખત પ્રત્યાઘાત આપતા કહ્યું કે તેઓએ અનેક બંધારણીય પદો પર રહીને સારુ કામ કર્યુ છે અને તેમનું રાજીનામુ એ અંગત સ્વાસ્થ્યના કારણોસર આપ્યુ હતું.
શ્રી શાહે કહ્યું કે ધનખડના રાજીનામાની ચર્ચાને વધુ ખેંચીને કોઈ અન્ય તારણ કાઢવાની જરૂર નથી. આમ કહીને તેઓએ ધનખડને કયાં સંજોગોમાં રાજીનામુ આપવું પડયું.
તે અંગે જે અનેકવિધ અટકળો ચાલી રહી છે તેના પર પુર્ણ વિરામ મુકવાનો પ્રયત્ન કર્યો છે અને કહ્યું હતું કે તે રાજીનામામાં સ્વાસ્થ્યના કારણો સિવાય વધુ કોઈ વાંચવાની જરૂર નથી.