New Delhi,તા.30
દેશમાં મિલ્કતોના રજીસ્ટ્રેશનમાં હવે ડિજીટલ પ્રક્રિયાને વેગ આપવામાં આવી રહી છે અને મિલ્કતોના સોદામાં ગેરરીતિ ડામવા માટે પણ હવે સરકાર અનેક પ્રસ્તાવ સાથે આવી રહી છે.
ખાસ કરીને મિલ્કતોમાં જે બેનામી સોદા થાય છે. તેને ડામવા માટે હવે મિલ્કતના ખરીદ-વેચાણ સમયે નોંધાયેલા ખરીદનાર-વેચનારના મોબાઈલ તથા નોંધણી અધિકારી રજીસ્ટારના અધિકૃત મોબાઈલ પર ઓટીપી આવશે અને તેના આધારે પુરા સોદાની તમામ માહિતી આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ હશે.
દેશમાં સંપતિના ખરીદ-વેચાણ સંદર્ભમાં અનેક પ્રસ્તાવ સરકાર પાસે રજુ થયા છે. જેમાં નાગરિકોને ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા મળશે. આજ રીતે અન્ય મિલ્કત સંબંધી કરારો જેમકે સેલડીડ, પાવર ઓફ એટર્ની, અદાલત દ્વારા જે વેચાણ વારસા-પ્રોબેટ સહિતના પ્રમાણપત્રો આપવામાં આવે છે તેનું પણ રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે.
આ પ્રકારે સરકાર મિલ્કત નોંધણી- ખરીદ-વેચાણની સમગ્ર પ્રક્રિયાને રજીસ્ટ્રેશન-ડિજીટલ અને ઓટીપી પ્રક્રિયા હેઠળ આવરી લેવા માંગે છે જેથી તેમાં ગેરરીતિ ઘટાડી શકાશે અને સાથોસાથ બેનામી સોદાઓ પણ અટકાવી શકાશે અથવા આ પ્રકારના સોદામાંથી માહિતી આવકવેરા વિભાગ પાસે પહોંચી જશે.
એક વખત આ પ્રકારે ઓટીપી આધારીત પ્રક્રિયા પુરી થયા બાદ આવકવેરા વિભાગ તેની ચકાસણી કરીને ખરીદનાર-વેચનાર વિ. વ્યક્તિઓના ડેટા ચકાસશે. ખાસ કરીને છેલ્લા પાંચ કે છ વર્ષમાં તેની આવક અને સંપતિની માહિતી નિશ્ર્ચિત કરાશે. તેના આવકવેરા રીટર્નમાં તેના સમાવેશ અંગે ક્રોસ ચેકીંગ થશે.
તેમાં કોઈ અનિયમિતતા કે જો તેની આવક કરતા વધુ સંપતિનો કેસ બનતો હોય તો તેમાં જે તે ખરીદ-વેચાણ કરનારને નોટીસ મોકલીને તેની પાસે જવાબ મંગાશે જેના કારણે મિલ્કતોમાં જે મોટાપાયે કાળા નાણાના વ્યવહારો થાય છે તેને ઝડપી શકાશે.
આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ જે નવો મિલ્કત રજીસ્ટ્રેશન એકટ- 2025 રજૂ થઈ રહ્યો છે. તેમાં મિલ્કત કે અન્ય દસ્તાવેજોના રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ પેપર ખરીદી સમયે જ વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) સીસ્ટમ અમલી બની જશે. બાદમાં રજીસ્ટ્રેશન કે સાટાખત નોંધણી સમયે ખરીદ-વેચાણમાં જોડાયેલા વ્યક્તિના પાન-કાર્ડની ખરાઈ ઓટીપીના આધારે કરવામાં આવશે.
તેના બાદ આધારની પણ ઓટીપીના આધારે ખરાઈ થશે અને તે ખરાઈ નિશ્ચિત થયા બાદ નોંધણી અધિકારી રજીસ્ટારના સતાવાર મોબાઈલ પર પણ પ્રાપ્ત ઓટીપીના આધારે તે આ સોદાના રજીસ્ટ્રેશનને મંજુરી આપશે. જેની નકલ રજીસ્ટ્રેશન દસ્તાવેજ સાથે રહેશે.
રજીસ્ટર કચેરીના રેકોર્ડમાં રહેશે અને એક સોફટ કોપી આવકવેરા વિભાગ પાસે જશે. જેના આધારે તે સોદાની તમામ માહિતી મેળવશે. દેશમાં બેનામી સંપતિઓ અંગે 3 લાખથી વધુ કેસ હાલ પેન્ડીંગ છે અને તેથી ભવિષ્યમાં આ પ્રકારના સોદાઓ રજીસ્ટ્રેશન સમયે જ ઓળખાય જાય તે નિશ્ચિત કરવામાં આવશે.
આ નવી પદ્ધતિનો ઉપયોગ દાન-ગીફટમાં આપવામાં આવતી સંપતિઓને પણ લાગુ થશે. જેણે સંપતિ ખરીદી હોય પછી થોડા જ સમયમાં તે દાન-ગીફટ સ્વરૂપે અન્યને ટ્રાન્સફર કરી આપે તેમાં પણ એ બહાર આવ્યું છે કે જે દાન-ગીફટ મેળવે છે તે અસલી ખરીદાર જ હોય છે પણ તે બેનામી આવક છુપાવવા માટે આ પ્રકારના વ્યવહારો થાય છે.