Mumbai,તા.17
એક જ કંપનીમાં લાંબા સમયથી કામ કરી રહેલા લોકોએ જાણવું ખૂબ જરૂરી છે તેઓ ગ્રેચ્યુઇટીના હકદાર છે. કંપની છોડવા પર તેમને આર્થિક લાભ પેટે ગ્રેચ્યુઇટી આપવામાં આવે છે. ભારતમાં ગ્રેચ્યુઇટી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ નિયંત્રિત છે.જેમાં કર્મચારીઓને નોકરી છોડવા કે રિટાયરમેન્ટ પર એક સામટી રકમ મળે છે.એક જ કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી નોકરી કરવા બદલ કંપની પોતાના ફંડમાંથી કર્મચારીને એક ચોક્કસ ફંડ આપે છે. આ ફંડ રિટાયરમેન્ટ અથવા નોકરી છોડવા પર મળે છે. જેમાં મહત્તમ રૂ. 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી મળી શકે છે. જે કંપનીમાં ઓછામાં ઓછા 10 અથવા 10થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તેણે ફરિજ્યાતપણે ગ્રેચ્યુઇટી આપવી પડે છે. ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને મહત્તમ રૂ. 25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી મળી શકે છે.ગ્રેચ્યુઇટી મેળવવા માટે કોઈપણ કર્મચારીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરવું પડે છે. જો કે, જો કોઈ કર્મચારીનું આકસ્મિક મૃત્યુ થઈ જાય છે અથવા તે અચાનક શારીરિક ક્ષમતા ગુમવા બેસે છે, તો તેવા કિસ્સામાં ભલે પાંચ વર્ષથી ઓછા સમય માટે કંપનીમાં કામ કર્યું હોય, પણ તેને ગ્રેચ્યુઇટીનો લાભ મળે છે. ગ્રેચ્યુઇટી રિટાયરમેન્ટ, રાજીનામું આપવા પર, નોકરીમાંથી છૂટા કરવા પર અથવા કર્મચારીના મૃત્યુ કે અસક્ષમતા જેવી સ્થિતિમાં મળે છે.
ગેચ્યુઇટી પર ટેક્સનો નિયમ સરકારી અને ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે અલગ-અલગ છે. જો કોઈ સરકારી કર્મચારી છે, તો તેના માટે ગ્રેચ્યુઇટી સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જ્યારે ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે Gratuity Act હેઠળ રૂ. 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી ટેક્સ ફ્રી છે.કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનો લાભ કંપનીના ફંડમાંથી મળે છે. તેના માટે કર્મચારીના પગારમાંથી કોઈ રકમ કપાતી નથી. પાંચ વર્ષની નોકરીમાં મેટરનિટી લીવ અને અન્ય પેઇડ લીવ પણ ગણવામાં આવે છે. કર્મચારી પોતાની ગ્રેચ્યુઇટી માટે કોઈને પણ નોમિની બનાવી શકે છે. જો કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન જ મૃત્યુ થઈ જાય અથવા વિકલાંગ થઈ જાય તો ગ્રેચ્યુઇટીની રકમ તુરંત તેના ખાતામાં જમા કરાવવામાં આવે છે.