China,તા.૨૫
પાકિસ્તાને ચીન પાસેથી અદ્યતન સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી લીધી છે. ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાડોશી દેશ ૪૦ જે-૩૫ જેટ ખરીદવા જઈ રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, જો આ યોજના આગળ વધે છે અને સાકાર થાય છે, તો તે ચીનના નવીનતમ જેટની પ્રથમ નિકાસ હશે. હોંગકોંગની ’સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ને ટાંકીને જણાવાય છે કે આ વેચાણ બેઈજિંગ દ્વારા કોઈ વિદેશી ભાગીદારને પાંચમી પેઢીના જેટની નિકાસ કરવાનો પહેલો કેસ હશે.
રિપોર્ટમાં પાકિસ્તાની મીડિયાના અહેવાલોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન એરફોર્સ એ ૪૦ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી છે, જે બે વર્ષમાં ડિલિવર થવાની આશા છે. આ મુજબ આ વિમાનો પાકિસ્તાનના અમેરિકન એફ-૧૬ અને ફ્રેન્ચ મિરાજ ફાઈટર પ્લેનના જૂના કાફલાનું સ્થાન લેશે. ગંભીર આર્થિક સંકટ છતાં પાકિસ્તાન નવા એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયાને આગળ વધારવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર,પીએએફ ચીફ એર માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે જેે-૩૧ સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટને ખરીદવાનો પાયો પહેલેથી જ નાખવામાં આવ્યો હતો. જો કે બેઈજિંગે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
જે-૩૫ ને મુખ્યત્વે ચાઈનીઝ એરક્રાફ્ટ કેરિયર્સ માટે ફાઈટર જેટ ગણવામાં આવે છે. ગયા મહિને ઝુહાઈ શહેરમાં આયોજિત વાર્ષિક એર શોમાં આ વિમાન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેમાં પીએએફના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી. આ ક્ષેત્રમાં હાલમાં ચીન એકમાત્ર એવો દેશ છે જેણે સ્ટીલ્થ એરક્રાફ્ટ વિકસાવ્યું છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચે ગાઢ સૈન્ય સંબંધો છે. પાકિસ્તાનની સેનાના ત્રણેય ભાગોના આધુનિકીકરણમાં ચીન મદદ કરી રહ્યું છે. ચીને અબજો ડોલરના સંરક્ષણ ખર્ચ સાથે પોતાની સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ કર્યું છે. ચીને પાકિસ્તાનને સંયુક્ત રીતે જે-૧૭ થંડર ફાઈટર એરક્રાફ્ટ વિકસાવવા અને ચલાવવામાં મદદ કરી છે.