Pakistan ,તા.૨૯
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ગુરુવારે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન વચ્ચેના સરહદી વિસ્તારની નજીક હતું અને તેની ઊંડાઈ ૨૧૨ કિલોમીટર હતી.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેશાવર અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે કહ્યું કે આમાં કોઈ જાનહાનિની માહિતી નથી. પાકિસ્તાન ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારમાં આવેલું છે અને અહીં વારંવાર ભૂકંપ અનુભવાય છે.
બે અઠવાડિયા પહેલા, ખૈબર પખ્તુનખ્વાના મિંગોરા અને આસપાસના વિસ્તારોમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેની ઊંડાઈ ૨૧૩ કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન ક્ષેત્ર હતું. પાકિસ્તાનમાં ૨૦૦૫માં સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેમાં ૭૪,૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા.