Bhuj,તા.17
કચ્છના સરહદી અને સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર સરક્રિકમાંથી ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ જોવા મળી હતી.BSFએ તાત્કાલિક કાર્યવાહી કરીને બોટને કબજામાં લીધી હતી. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, BSFના જવાનો સરક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન જવાનોની નજર એક બોટ પર પડી હતી. તપાસ કરતાં બોટ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. BSFએ બોટને કબજામાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરક્ષા એજન્સીઓ હવે એ તપાસ કરી રહી છે કે પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં કયા હેતુથી પ્રવેશી હતી. બોટ ભૂલથી સરહદ પાર કરીને આવી હતી કે તેને કોઈ ચોક્કસ હેતુસર મોકલવામાં આવી હતી, તે અંગે તપાસ ચાલી રહી છે. આ વિસ્તારમાં અગાઉ પણ પાકિસ્તાની બોટ મળી આવતી રહી હોવાથી સુરક્ષા એજન્સીઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે.

