Rajkot. તા.17
થોરાળા પોલીસ દ્વારા અગાઉ પકડેલ 18 કિલો શંકાસ્પદ ગોળ મામલે એફએસએલ રિપોર્ટ આવતાં તેમાં ગોળ સડેલ હોવાનું ખુલતાં રીક્ષા ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પ્રોહિબિશન અને દેશી દારૂ બનાવતી સામગ્રીની હેરફેર અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસે ભાવનગર રોડ પર શિવધારા પાન પાસે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ જણાતી સીએનજી રીક્ષા નં. GJ-02-YY-9536 ને અટકાવી તેની પાછળની સીટના ભાગે તપાસ કરતાં ત્યાંથી ખાટી વાસ મારતા સડેલા ગોળના કુલ 18 પ્લાસ્ટિકના ડબ્બા મળી આવ્યા હતા.
દરેક ડબ્બામાં આશરે 20 કિલો જેટલો સડેલો ગોળ ભરેલો હતો. આ અંગે રીક્ષા ચાલક પાસે કોઈ પાસ, પરમિટ કે સંતોષકારક જવાબ ન હોવાથી પોલીસે અંદાજે રૂ. 1 હજારની કિંમત લેખે કુલ રૂ. 18 હજારનો ગોળ તથા રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે પોલીસે રીક્ષા ચાલક રાજેશ ઉર્ફે નિકો ઉર્ફે કારો અમૃત વઢીયારા (રહે. દેવીપૂજક ઉતારો, ચુનારાવાડ ચોક) ની ધરપકડ કરી છે.
આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા મુદ્દામાલના સેમ્પલ મેળવીને એફ.એસ.એલ. લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ ગોળ દેશી દારૂ બનાવવા માટે જ હોવાનું સાબિત થયું છે.

