તેની ઓળખ સિરાજ ખાન રૂપે થઈ છે : સિરાજ ખાન પંજાબની અભિનેત્રી અવનીત કૌરને મળવા આવ્યો હતો
Jammu, તા.૮
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી એક પાકિસ્તાની ઘૂસણખોરની અટકાયત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી અટકાયત કરવામાં આવેલા પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ થઈ ચૂકી છે. હજુ પ્રારંભિક તપાસ ચાલી રહી છે.
આ ઘૂસણખોર પાકિસ્તાનના પંજાબમાં સ્થિત સરગોધા ગામનો રહેવાસી છે. જેની ઓળખ સિરાજ ખાન રૂપે થઈ છે. સિરાજ ખાન પંજાબની અભિનેત્રી અવનીત કૌરને મળવા આવ્યો હતો. હાલ બીએસએફ સહિત અન્ય એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.
સિરાજ ગઈકાલે રવિવારે રાત્રે ૯.૨૦ વાગ્યે ઓક્ટ્રોય ચોકી પર ઘૂસણખોરી કરતાં પકડાયો હતો. આ ચોકી પર તૈનાત બીએસએફ જવાનોએ તેને જોયો હતો. અધિકારીએ જણાવ્યું કે, સિરાજ પાસેથી અમુક પાકિસ્તાની કરન્સી નોટ મળી આવી છે. તેણે અભિનેત્રી અવનીત કૌરને મળવાના ઈરાદેથી ઘૂસણખોરી કરી હોવાનું જણાવ્યું છે. વધુ તપાસ થઈ રહી છે. જેથી તેના આ પ્રયાસો પાછળનો વાસ્તિક ઉદ્દેશ જાણી શકાય. બીએસએફએ આ અંગે પ્રેસ રીલિઝ જાહેર કરી માહિતી આપી હતી.
બીએસએફ જવાનોએ તેને જોતાં જ રોકાઈ જવા ચેતવણી આપી હતી. પરંતુ તેણે ધ્યાન આપ્યું નહીં. જેથી જોખમને ધ્યાનમાં લેતાં જવાનોએ તેના પર ગોળીબાર કર્યો હતો. બાદમાં તેની અટકાયત કરી હતી. બીએસએફના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પર સંદિગ્ધ ગતિવિધિ થઈ રહી હોવાની જાણ થઈ હતી. જેથી તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં આ પાકિસ્તાની નાગરિક સિરાજ ખાન સુચેતગઢની સરહદ પરથી ભારત તરફ આગળ વધતો મળી આવ્યો હતો.