Kathmandu,તા.૧૨
નેપાળી રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાએ ચેતવણી આપી છે કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો ભારત માટે ગંભીર ખતરો છે. થાપાએ કહ્યું કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારત પર હુમલો કરવા માટે નેપાળના માર્ગોનો ઉપયોગ કરી શકે છે. તેમણે ૯ જુલાઈના રોજ કાઠમંડુમાં નેપાળ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ પાર્ટનરશિપ દ્વારા આયોજિત ઉચ્ચ સ્તરીય સેમિનાર દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી. આ કાર્યક્રમ દક્ષિણ એશિયામાં આતંકવાદના ખતરાનો સામનો કરવા પર કેન્દ્રિત હતો. સેમિનારમાં અગ્રણી પ્રાદેશિક નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓએ હાજરી આપી હતી.
સુનિલ બહાદુર થાપા ઉપરાંત, સેમિનારમાં અન્ય વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતમાં આતંકવાદી હુમલાઓ નેપાળને પણ અસર કરે છે, જે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચાડે છે. વક્તાઓએ આતંકવાદને પાકિસ્તાનના સમર્થનને જીછછઇઝ્ર ની અસરકારકતા અને વ્યાપક પ્રાદેશિક એકીકરણમાં મોટો અવરોધ ગણાવ્યો હતો. સેમિનારમાં આતંકવાદ વિરોધી સહયોગને મજબૂત બનાવવા વિનંતી કરવામાં આવી હતી, જેમાં મની લોન્ડરિંગ સામે કડક કાર્યવાહી, ગુપ્ત માહિતી શેરિંગ અને ભારત સાથેની સરહદ પર સંયુક્ત પેટ્રોલિંગનો સમાવેશ થાય છે. તેણે પ્રાદેશિક શક્તિઓને આતંકવાદનો સામનો કરવામાં બેવડા ધોરણો અપનાવવાનું ટાળવા પણ હાકલ કરી હતી.
પહલગામમાં આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. સેમિનારમાં હાજર રહેલા લોકોએ ભારતના આ પગલાને સરહદપારથી થતા ખતરા સામે મજબૂત અને અસરકારક પ્રતિભાવ ગણાવ્યો. સેમિનારમાં કહેવામાં આવ્યું હતું કે આઇસી-૮૧૪ હાઇજેકિંગ અને લશ્કર-એ-તૈયબાના નેતૃત્વ હેઠળના પહેલગામ હુમલા જેવી ઘટનાઓને કારણે નેપાળ હજુ પણ અસુરક્ષિત છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક નેપાળી નાગરિક સહિત ૨૬ નાગરિકો માર્યા ગયા હતા. ચર્ચાના સમાપન કરતાં, હાજર રહેલા લોકોએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની વાત કરી અને સમર્પિત પ્રાદેશિક તંત્રની તાત્કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
ભારત અને નેપાળ વચ્ચે ૧,૭૫૧ કિમી લાંબી ખુલ્લી સરહદ છે, જેના પર ન્યૂનતમ સુરક્ષા તપાસ છે. આ સરહદ પરથી આતંકવાદીઓ માટે ભારતમાં ઘૂસણખોરી કરવી સરળ બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત સંગઠનોના ઘણા આતંકવાદીઓ નેપાળ દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી છે.