Washington,તા,18
હજુ એક દિવસ પુર્વે જ ખાલીસ્તાની નેતા અને ભારત માટે વોન્ટેડ ગુરૂપતસિંહ પન્નુની હત્યા માટેના કહેવાતા ષડયંત્ર સંબંધમાં ભારતીય અધિકારીઓની સંડોવણી અંગે અપાયેલા જવાબથી સંતોષ વ્યક્ત કર્યાના 24 કલાકમાંજ અમેરિકી અદાલત સમક્ષ દાખલ કરાયેલા દસ્તાવેજોમાં અગાઉ ન્યુયોર્ક દૂતાવાસમાં ફરજ બજાવી ગયેલા ભારતની વિદેશી બાબતોની જાસૂસી એજન્સી ‘રો’ ના અધિકારી વિકાસ યાદવની સંડોવણી દર્શાવીને તેને ‘ભાગેડુ’ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
પન્નુ જે અમેરિકા અને કેનેડા બન્નેનું નાગરીકત્વ ધરાવે છે તેથી હત્યાના એક કહેવાતા ષડયંત્ર જે અમલમાં આવ્યુ જ ન હતું તે બદલ અમેરિકી એજન્સીએ ચેકોસ્લોવાકીયાથી પ્રત્યાર્પણ કરીને ધરપકડ કરાયેલા નિખિલ ગુપ્તાને ષડયંત્રમાં સહ આરોપી બનાવ્યો છે અને તે હાલ અમેરિકી જેલમાં છે.
બીજી તરફ આ તપાસમાં સહકાર આપવા ભારતીય સુરક્ષા એજન્સીની એક ટીમ ન્યુયોર્ક પહોંચી હતી અને ગઈકાલે જ અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતાએ ભારતે રજુ કરેલા જવાબથી સંતોષ વ્યક્ત કર્યો હતો તેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાની ફેડરલ કોર્ટમાં વિકાસ યાદવ જેને ભારત સરકારના કર્મચારી વિકાસ યાદવને મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યા છે.
તેણે પન્નુની હત્યા માટે શુટરને રોકવા અને નાણા આપવા સહિતની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યુ છે. એક તરફ કેનેડાએ શિખ ખાલીસ્તાની નેતા નિજજરની હત્યા બદલ ભારત સામે રાજદ્વારી મોરચો માંડયો છે અને બન્ને દેશોના સંબંધોમાં ભારે કડવાશ આવી છે તે સમયે હવે એક પુર્વ સરકારી અધિકારીની સંડોવણી બાદ અમેરિકા સાથે પણ આ મુદે ટકકર થઈ શકે છે.
નિખિલ ગુપ્તા જેને આ ષડયંત્રમાં વચેટીયો કે એજન્ટ ગણાવાયો છે તેને જુબાની આપવા મજબૂર કરી અમેરિકા હવે ભારત પર ભીસ વધારે અને વિકાસ યાદવના પ્રત્યાર્પણની માંગ કરી શકે. જો કે ભારત સરકારે અગાઉ જ તે આ પ્રકારના ષડયંત્રમાં સંકળાયેલું હોય તો ઈન્કાર કર્યો હતો.
‘રો’ એજન્સીએ કેન્દ્રીય કેબીનેટ સેક્રેટરી હેઠળ કામ કરે છે. અમેરિકી અદાલત સમક્ષ 18 પાનાના દસ્તાવેજી મનાતા પુરાવા રજુ થયા છે જેમાં ‘રો’ એજન્ટ વિકાસ યાદવ પર હત્યા માટે ષડયંત્ર રચવા સહિતના આરોપો મુકયા છે અને આગામી દિવસમાં જો તે પ્રત્યાર્પણની માંગણી કરશે તો બન્ને દેશોના સંબંધોમાં નવો તનાવ આવી શકે છે.

