New Delhi,તા.25
પહેલગામ હુમલા, ઓપરેશન સિંદુર તથા બિહારમાં મતદાર યાદી પુન:સમીક્ષા સહિતના મુદાઓ પર સોમવારથી સંસદના બન્ને ગૃહોમાં ધમાલ અને કામકાજ મુલત્વી રહ્યા બાદ હવે સોમવારથી લોકસભા અને રાજયસભા ચાલશે અને બન્ને ગૃહોમાં આગામી સપ્તાહથી ઓપરેશન સિંદુર પર ચર્ચા થશે.
આજે પણ રાજયસભા અને લોકસભા સતત મુલત્વી રહ્યા બાદ બપોરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ચેમ્બરમાં સર્વપક્ષીય બેઠક મળી હતી અને તેમાં હવે સોમવારથી સંસદમાં કામકાજ ચાલે તે માટે સંમતી બની હતી જેમાં સોમવારથી લોકસભામાં ઓપરેશન સિંદુર પર ચર્ચા થશે.
મંગળવારથી રાજયસભામાં ચર્ચા થશે અને બન્ને ગૃહોમાં 16-16 કલાક ચર્ચા થશે. ભાજપે આ માટે ત્રણ સીનીયર મંત્રીઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર ચર્ચામાં ભાગ લેશે તેવું જાહેર કરાયુ છે પણ વિપક્ષો જે સતત માંગણી કરી રહ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કોઈ જાહેરાત કરી નથી.
તેથી સોમવારે હવે વિપક્ષો તે મુદે શું નિર્ણય લે છે તેના પર નજર છે. પણ માનવામાં આવે છે કે મોદી ચર્ચામાં દરમ્યાનગીરી કરી શકે છે પણ તે અંગે કોઈ સતાવાર જાહેરાત થઈ નથી.
સંસદમાં સોમવારથી ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા થનાર છે પણ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે કે કેમ તે અંગે સસ્પેન્સ સર્જાયો છે. આજે સરકાર તરફથી ત્રણ નામો જે ચર્ચામાં નિશ્ચિત કરાયા છે તેમાં વડાપ્રધાનનું નામ નથી અને વિપક્ષો પ્રથમથી જ વડાપ્રધાન જવાબ આપે તેવી માંગણી કરી રહ્યા છે. તેથી સંસદમાં વડાપ્રધાન બોલશે કે કેમ તે સસ્પેન્સ રહ્યું છે.