Pavagadh,તા.૨૭
પાવાગઢ મંદિરના ટ્રસ્ટે સમય પત્રક જાહેર કર્યુ છે. ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના સમય ફેરફાર કરાયો એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે ૪ વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે ૫ વાગે ખુલશે. તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે ૮ વાગ્યે બંધ થશે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરના આતંકને કારણે સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ પછી બધા દેવતાઓએ માતા પાર્વતીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. પછી દેવી પાર્વતીએ તેના ભાગમાંથી નવ સ્વરૂપો પ્રગટ કર્યા, જેને દેવતાઓએ તેમના શસ્ત્રો આપીને શક્તિ આપી. એવું કહેવાય છે કે આ સમગ્ર પ્રક્રિયા ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થઈ હતી અને ૯ દિવસ સુધી ચાલી હતી. માન્યતાઓ અનુસાર ચૈત્ર મહિનામાં નવરાત્રિ ઉજવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી.
ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ રામ નવમીના દિવસે થયો હતો, તેથી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથીએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે. જ્યારે શારદીય નવરાત્રિ સાંસારિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે.