Tehran, તા. 24
ઇરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા બે સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલા યુધ્ધમાં એક નાટયાત્મક વળાંક સાથે યુધ્ધ વિરામ થયાની જાહેરાત થઇ છે. ઇરાનની સત્તાવાર મીડિયા દ્વારા જાહેર કરાયું છે કે ઇઝરાયલ સાથેના યુધ્ધમાં હાલ હવે કોઇ હમણા નવા હુમલા થશે નહીં આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રસપ્રદ રીતે જાહેર કર્યુ હતું કે, બંને દેશો ઇરાન અને ઇઝરાયલ મારી પાસે આવ્યા હતા.
બંનેએ યુધ્ધ વિરામ માટે તૈયારી બતાવી છે અને એક અઠવાડિયાના મિસાઇલ એટેક બાદ હવે બંને દેશોએ યુધ્ધ વિરામ કરવાની સ્વીકારી લીધુ છે. આ અગાઉ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશ્યલ મીડિયા પર જાહેર કર્યુ હતું કે વહેલી સવારે 4.30 કલાકે યુધ્ધ વિરામનો અમલ શરૂ થઇ ગયો છે.
જોકે આ અગાઉ બંને દેશોએ એક બીજા પર મિસાઇલ હુમલા યથાવત રાખ્યા હતા અને તે વચ્ચે પણ ટ્રમ્પ દ્વારા યુધ્ધ વિરામની જે જાહેરાત થઇ તેને ઇઝરાયલ અને ઇરાન બંનેએ નકારી હતી. તેથી ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત સામે પણ પ્રશ્ન ઉભા થયા હતા પરંતુ તે પૂર્વે ઇરાને ઇઝરાયલ પર છોડેલા મિસાઇલમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું પણ ખુદ ઇઝરાયલે સ્વીકાર્યુ હતું.
ઇરાનની એસએનએન મીડિયાએ જાહેરાત કરી હતી કે તહેરાન તરફથી મિસાઇલના આખરી રાઉન્ડ દાગવામાં આવ્યા છે અને ત્યારબાદ યુધ્ધ વિરામનો પ્રારંભ શરૂ થઇ ગયો છે.
જોકે હજુ સુધી ઇઝરાયલ તરફથી યુધ્ધ વિરામ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ અગાઉ ઇઝરાયલે પણ ઇરાન પર કરેલા હુમલામાં તહેરાનના કેટલાક વિસ્તારોમાં વિસ્ફોટ અને ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા.