Mount Abu, તા.૧૯
રાજસ્થાનના કાશ્મીર ગણાતા હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં ઠંડીનો પારો ગગડતા એકજ દિવસમાં બે ડિગ્રી નીચે આવતા તાપમાન માયનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે. માઉન્ટઆબુ અને અરવલ્લીની સૌથી ઊંચી ચોટી ગણાતા ગુરૂશિખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાતા સર્વત્રે બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. બરફીલા વાતાવરણને માણવા હજારો પર્યટકો પહોંચ્યા છે. જયારે કાતિલ ઠંડીથી સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે.
રાજસ્થાનમાં હવે ઠંડીએ તેના આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. સિરોહી, ચુરુ, શ્રી ગંગાનગર, હનુમાનગઢ સહિત અનેક મેદાની વિસ્તારોમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે. તાપમાનમાં ઝડપી ઘટાડો થતાં લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
સવારે મોડે સુધી સૂર્યપ્રકાશ ન આવવાને કારણે ઓફિસે જતા લોકો અને શાળાના બાળકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રસ્તાઓ પર વાહનો હેડલાઇટ ચાલુ રાખીને ચાલી રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.
રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ આ દિવસોમાં સૌથી ઠંડું સ્થળ બન્યું છે. છેલ્લા બે દિવસથી અહીં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું છે. આજે (બુધવારે) સવારે પણ તાપમાન -૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. તીવ્ર ઠંડીને કારણે વૃક્ષો, છોડ, વાહનો અને ઘાસ પર જામેલા ઝાકળના ટીપાં થીજી જતાં બરફ બની ગયા છે. નક્કી તળાવના કિનારે અને કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફની પાતળી ચાદર જોવા મળી હતી.
માઉન્ટ આબુ પહોંચતા પર્યટકો આ ઠંડા છતાં મનોરમ દ્રશ્યની મજા માણી રહ્યા છે. જોકે, તેજ ઠંડા પવનો અને માઈનસ તાપમાન તેમને પણ ધ્રુજાવી રહ્યા છે. હોટલ અને રિસોર્ટમાં રૂમ હીટર અને તાપણાંની માગ વધી ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ સુધી માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં રહેવાની અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસ સાથે ઠંડી વધુ વધવાની ચેતવણી આપી છે.

