પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ હાઈજેક કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી ટ્રેેનમાં સવાર ૫૦૦ જેટલા મુસાફરોમાંથી બીએલએએ ૨૪૦ જેટલા પ્રવાસીઓને બંદી બનાવ્યા હતા પણ તેમાંથી ૮૦ જેટલી સ્ત્રીઓ અને નાનાં બાળકોને છોડી મૂક્યાં છે જ્યારે ૧૬૦ જેટલા પ્રવાસી હજુ તેમના કબજામાં છે.
પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાનની આઝાદી માટે લડતી બલુચ લિબરેશન આર્મીએ પરફેક્ટ પ્લાનિંગ સાથે ટ્રેન હાઈજેકનું ઓપરેશન પાર પાડીને પાકિસ્તાનનું નાક વાઢી લીધું છે. જાફર એક્સપ્રેસના રૂટ પર મશકાફમાં ૧૭ ટનલ આવે છે. બીએલએએ બરાબર વચ્ચે આવેલી ૮મી ટનલમાં પાટા ઉડાવી દીધા તેથી ટ્રેન પાટા પરથી ખડી ગઈ. ટ્રેનમાં પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈના માણસો છે તેની બીએલએને પહેલેથી ખબર હતી એટલે તેમના ડબ્બાને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો.
આર્મી-આઈએસઆઈએ વળતો જવાબ આપવાની કોશિશ કરી પણ કંઈ ચાલ્યું નહીં.
પાકિસ્તાનની સરકાર હવે રહીસહી આબરૂ બચાવવાનાં ફાંફાં મારી રહી છે તેથી બીએલએ સામે ઓપરેશન ચાલી રહ્યું છે પણ બીએલએની તૈયારીને જોતાં પાકિસ્તાને ઘૂંટણ ટેકવવા પડશે એવું લાગી રહ્યું છે.
પાકિસ્તાનની ટ્રેન હાઈજેકની ઘટનાએ બલુચિસ્તાનની આઝાદીની લડાઈ માટે ચાલી રહેલા સંઘર્ષ તરફ આખી દુનિયાનું ધ્યાન ગયું છે. પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે પહેલાં બલુચિસ્તાનનો કલાત વિસ્તાર પાકિસ્તાનમાં નહોતો ભળ્યો પણ પાકિસ્તાને કલાતના શાસકનું કાંડું આમળીને ફરજ પાડી હતી. જો કે બલોચ પ્રજા આ નિર્ણયની વિરૂદ્ધ હતી તેથી કલાતના શાસક અહમદ યાર ખાનના નાના ભાઈ પ્રિન્સ કરીમની આગેવાનીમાં બલોચ પ્રજાએ હથિયાર ઉઠાવ્યાં. પાકિસ્તાન સામે ત્યારથી હિંસક સંઘર્ષ ચાલે છે. પાકિસ્તાની લશ્કર અને બલોચ રાષ્ટ્રના સમર્થકો વચ્ચે પાંચ મોટાં યુધ્ધ પણ થયાં છે. પાકિસ્તાને બલોચ રાષ્ટ્રવાદીઓને કચડી નાંખવા અમાનુષી અત્યાચારો કર્યા પણ સફળ થયા નથી. બલ્કે બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન સામેના અસંતોષની આગને વધારે ભડકાવી છે.
બીએલએ સત્તાવાર રીતે ૨૦૦૦ની સાલમાં અસ્તિત્વમાં આવ્યું પણ તેનાં મૂળિયાં ૧૯૭૩થી શરૂ થયેલી બલુચિસ્તાનની આઝાદીની લડાઈમાં છે. સોવિયેત યુનિયન એટલે કે રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના બે એજન્ટ ‘મિશા’ અને ‘શાશા’એ બલોચ લડવૈયાઓને હથિયારો પૂરાં પાડીને જંગ શરૂ કરાવેલો એવું મનાય છે. અફઘાનિસ્તાનમાં ૧૯૮૦ના દાયકામાં રશિયાના લશ્કર સામે દુનિયાભરના કટ્ટરવાદી મુસ્લિમો લડવા ઉતરી પડયા પછી બલુચિસ્તાનની આઝાદીની લડત ઠંડી પડી ગયેલી પણ અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલા પછી અફઘાનિસ્તાનને ધમરોળી નાંખીને તાલિબાનને ભગાડયા એ સાથે જ આ લડત પાછી શરૂ થઈ ને ધીરે ધીરે એટલી ઉગ્ર બની છે કે, પાકિસ્તાન જ નહીં પણ ચીનના શાસકોની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે.
બલુચિસ્તાનમાં બુગતી પરિવાર બહુ પાવરફુલ મનાય છે. બુગતી પરિવાર બલુચિસ્તાનની સ્વાયત્તતા માટે લડે છે. બીજા રાજકીય પક્ષો પણ તેમની સાથે છે તેથી ૨૦૦૩થી લોકોએ રસ્તા પર આવીને પાકિસ્તાન સરકાર સામે મોરચો માંડી દીધો છે. પાકિસ્તાન સરકારે તેને દબાવવા દમન શરૂ કર્યું તેમાં સ્વાયત્તાતાની વાત બાજુ પર જતી રહી. લડાયક બલોચ પ્રજાને પાકિસ્તાનના શાસકોના શોષણ સામે પણ વાંધો છે. હવે બલુચિસ્તાનમાં લોકો પાકિસ્તાનના નામથી જ ભડકે છે ને આઝાદીથી ઓછું કશું ના ખપે તેવા નારા બુલંદ થઈ ગયા છે.બીએલએએ પાકિસ્તાનની જેલોમાં બંધ પોતાના માણસોના બદલામાં આ પ્રવાસીઓને છોડવાની તૈયારી બતાવી છે અને પાકિસ્તાન સરકારને ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ટ્રેનમાં પાકિસ્તાનઆર્મી, પોલીસ, એન્ટિ ટેરરિઝમ ફોર્સ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના માણસો મોટી સંખ્યામાં હતા અને પંજાબ જઈ રહ્યા હતા. બીએલએએ એ બધાંને બંદી બનાવીને રાખતાં પાકિસ્તાન સરકારની હાલત કફોડી થઈ ગઈ છે.
તેનો ફાયદો બલુચ લિબરેશન આર્મી જેવાં સંગઠનોને મળ્યો છે. લોકોના સમર્થનના કારણે સશસ્ત્ર સંગઠનો વધારે આક્રમક બન્યાં છે. આ વિસ્તારમાં શિયાઓની વસતી મોટા પ્રમાણમાં છે. બલુચિસ્તાન વિશ્વના શિયાઓના સૌથી મોટા દેશ ઈરાનની નજીક હોવાથી ઈરાન પણ તેમને મદદ કરે છે. બલુચિસ્તાન અરબી સમુદ્ર પાસે છે અને ભારતની નજીક છે તેથી ભારત પણ મદદ કરતું હોવાનું કહેવાય છે. પાકિસ્તાન બલુચિસ્તાન છોડી શકે તેમ નથી કેમ કે પાકિસ્તાનના અર્થતંત્રમાં બલુચિસ્તાન કેન્દ્રસ્થાને છે. બલુચિસ્તાન અલગ થાય તો પાકિસ્તાને પેટ્રોલીયમ ને નેચરલ ગેસ માટે બીજા દેશો પાસે ચપણિયું લઈને ઉભા રહેવું પડે. પાકિસ્તાને ચીનને બલુચિસ્તાનમાં ઘૂસાડયું. ચીને અબજોનું આંધણ કર્યું પણ કશું વળતર નથી તેથી ચીન પણ પાકિસ્તાનને ના છોડે.
જો કે પાકિસ્તાન ગમે તે કરે, બલુચિસ્તાનને પોતાની સાથે રાખવામાં સફળ થાય એવી શક્યતા ઓછી છે. લડાયક પ્રજા જીવ પર આવેલી છે તેથી પાકિસ્તાનથી આઝાદ થઈને જ રહેશે.
ભારતના ભાગલા થયા ત્યારેથી અલગ બલુચિસ્તાનની માગણી સાથે જંગ ચાલે છે પણ ચીનની પાકિસ્તાનમાં એન્ટ્રી પછી આ જંગ ઉગ્ર બન્યો છે. બૂલચિસ્તાનનો વિસ્તાર બહુ મોટો છે . લગભગ ૩.૫૦ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારની માત્ર સવા કરોડની વસતી છે. એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં માત્ર ૩૬ લોકો રહે છે. મોટા ભાગની વસતી આદિવાસી અને કબિલામાં ફેલાયેલી છે.
આ વિસ્તાર પાકિસ્તાન માટે દૂઝણી ગાય છે. બલુચિસ્તાનમાં ખનિજો તથા પેટ્રોલીયમનો ભંડાર છે. કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલ, તાંબા, સલ્ફર અને ફ્લોરાઈડની ખાણોમાં મોટા પ્રમાણમાં ખનિજો ધરબાયેલી છે. આ વિસ્તારની સોનાની ખાણોમાંથી સોનું પણ મોટા પ્રમાણમા મળે છે. પાકિસ્તાને મોટા પ્રમાણમાં ખનિજો તથા બીજી કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી પણ આ વિસ્તારને પછાત રાખ્યો. તેના કારણે પાકિસ્તાનના સૌથી ગરીબ વિસ્તારોમાં બલુચિસ્તાનનો સમાવેશ થાય છે
પાકિસ્તાને વરસો સુધી બલૂચિસ્તાનને લૂંટયું ને પછી ચીનને હવાલે કરી દીધું. ચીને બલુચિસ્તાનમાં ૪૬ અબજ ડોલર (લગભગ રૂપિયા ૪ લાખ કરોડ)નું રોકાણ કરવાની જાહેરાત કરીને ઈકોનોમિક કોરીડોર બનાવવાનું શરૂ કરતાં બલૂચ પ્રજામાં આક્રોશ છે. છૂટાછવાયા કબિલાઓમાં રહેતા લડવૈયા પાકિસ્તાન અને ચીન સામે એક થઈને લડે છે.
અલગ બલૂચ રાષ્ટ્રનું નિર્માણ તેમનો ઉદ્દેશ છે. ચીને પોતાની સુરક્ષા માટે લશ્કરી છાવણીઓ ઉભી કરે છે પણ તેના પર પણ હુમલા કરાય છે. ત્રણ વર્ષ પહેલાં કરાચીમાં બલૂચ લિબરેશન આર્મીએ ચીનના દૂતાવાસ પર પણ હુમલો કર્યો હતો. યાર ખાનના ભાઈ પ્રિન્સ અબ્દુલ કરીમ પાકિસ્તાન સાથે જોડાણની વિરૂધ્ધ હતા. પ્રિન્સ કરીમે પાકિસ્તાન વિરોધીઓને એકઠા કરીને ૧૯૪૮ના જુલાઈમાં પાકિસ્તાન સામે જંગનું એલાન કર્યું. પાકિસ્તાને પ્રિન્સને પકડવા પોલીસ મોકલતાં પ્રિન્સ અફઘાનિસ્તાન જતા રહ્યા. અફઘાનિસ્તાનમાંથી તેમણે અલગ બલૂચિસ્તાન માટે જંગ શરૂ કર્યો પણ બહુ સપોર્ટ ના મળતાં છેવટે ૧૯૫૦માં પાકિસ્તાન સરકાર સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.