Porbandar,તા.01
પોરબંદરમાં સુવિખ્યાત સુદામાજીનાં મંદિરે અખાત્રીજના દિવસે વહેલી સવારે સાત વાગ્યાથી ભકતોને નિજમંદિરમાં જઇને ચરણસ્પર્શ કરવાની તક મળી હતી. વર્ષમાં એક જ વખત આ પ્રકારનો લ્હાવો ભકતોને મળે છે તેથી વહેલી સવારથી જ ભકતોની લાઇનો લાગી હતી.
પ્રાચીનકાળથી જ પ્રસિધ્ધ એવા વિશ્વમાં એકમાત્ર શ્રી સુદામા મંદિરે વૈશાખ સુદ ત્રીજ એટલેકે અખાત્રીજે એ ભગવાન શ્રીકૃષ્ણના એકમાત્ર મિત્ર એવા શ્રીસુદામાજીના મંદિર ખાતે વર્ષમાં એક વખત અખાત્રીજના દિવસે મંદિરના ગર્ભગૃહમાં જઇને શ્રીસુદામાજીના ચરણસ્પર્શ કરવાનો લ્હાવો મળતો હોય છે. દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ વહેલી સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી નિજ મંદિરમાં જઇને સુદામાજીના ચરણસ્પર્શ કરી શકે તે રીતે દરેક ભકતજનાને લ્હાવો મળ્યો હતો. અખાત્રીજના ખાસ દિવસે વહેલી સવારે મહાઆરતી સાથે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. પ્રાચીન ધાર્મિક ઇતિહાસમાં આ દિવસનું મહત્વ જોઇએ તો શ્રી સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપે તાંદુલની પોટલી લઇને દ્વારકા મળવા માટે જઇ રહ્યા હોય અને ભગવાન શ્રીકૃષ્ણએ શ્રી સુદામાજીના ચરણ ધોયા હતા અને ચરણસ્પર્શ કર્યા હતા. તેથી તમામ ભકતજનો આ દિવસે તેમને તાંદુલની ભેટ લઇને વાળવવા માટે આવ્યા હતા અને આ પ્રસંગે દરેક ભકતજનોને મંદિરની પરંપરા મુજબ શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો લ્હાવો મળ્યો હતો.